સ્થાનિક કાલાચૌકી પોલીસે આ બાબતે સાવચેતીનાં પગલાં લઈને મંડળને કાર્યકરો દ્વારા શિસ્તબદ્ધ રીતે લોકોની લાઇન મૅનેજ કરવા જણાવ્યું છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સોશ્યલ મીડિયામાં છેલ્લા બે દિવસથી લાલબાગચા રાજામાં થયેલી ભીડનો વિડિયો બહુ જ વાઇરલ થયો હતો અને એના પર અનેક કમેન્ટ લોકો કરી રહ્યા હતા. નાસભાગ અને સ્ટૅમ્પેડ થતાં-થતાં રહી ગયું હતું. જોકે સ્થાનિક કાલાચૌકી પોલીસે આ બાબતે સાવચેતીનાં પગલાં લઈને મંડળને કાર્યકરો દ્વારા શિસ્તબદ્ધ રીતે લોકોની લાઇન મૅનેજ કરવા જણાવ્યું છે અને સાથે જ એ પ્રમાણે પોલીસ-બંદોબસ્તમાં પણ જરૂરી ફેરફાર કર્યા છે.
આ બાબતે માહિતી આપતાં કાલાચૌકી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પ્રમોદ ભોવટેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયામાં ફરી રહેલો એ વિડિયો પહેલા દિવસનો છે. લાલબાગચા રાજાનાં દર્શન માટે મંડળ તરફથી ઘણાબધા ગેટ રાખવામાં આવ્યા છે. જોકે એ જે ઘટનાનો વિડિયો છે એ લોકસત્તા ગેટ પાસેનો છે. એ ગેટ માત્ર ને માત્ર પદાધિકારીઓ અને દાતાઓનાં દર્શન માટે અલાયદો રાખવામાં આવ્યો છે. એ ગેટ ખૂલતાં જ લોકોએ એમાંથી જવાનો ધસારો કર્યો હતો જેને કારણે એ ભીડ બેકાબૂ બની હતી. અમે ત્યાર બાદ મંડળના પદાધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી અને કહ્યું કે કાર્યકરો દ્વારા લોકોની લાઇન મૅનેજ કરવામાં વધુ ધ્યાન રાખવામાં આવે. લોકો શિસ્તબદ્ધ રીતે મૂવ થતા રહે એ માટેની ગોઠવણ કરવા પણ અમે કહ્યું છે અને એ પ્રમાણે પોલીસ-બંદોબસ્તમાં પણ જરૂરી ફેરફાર કર્યો છે.’


