કેમ્પ્સ કૉર્નરના કબીર મહેતા બ્રેઇન- ડેડ થયા એ પછી પરિવારે તેમનાં હૃદય, લિવર, બન્ને કિડનીઓ, કૉર્નિયા અને ત્વચાનું દાન કરીને ૧૦ વ્યક્તિઓને જીવતદાન આપ્યું
કબીર મહેતા
શ્રીમદ રાજચંદ્ર લવ ઍન્ડ કૅરના ઑર્ગન ડોનેશન જાગૃતિ અભિયાન હેઠળ ૧૦ વર્ષ પહેલાં સાઉથ મુંબઈના કેમ્પ્સ કૉર્નરમાં રહેતા ૫૭ વર્ષના કબીર મહેતાએ પ્રતિજ્ઞા લીધી હતી એ મુજબ બ્રેઇન-ડેડ થયા પછી તેમનાં હૃદય, લિવર, બન્ને કિડનીઓ, કૉર્નિયા અને ત્વચાનું દાન કરીને ૧૦ વ્યક્તિઓને જીવતદાન આપવામાં આવ્યું હતું. મુંબઈની એચ. આર. રિલાયન્સ હૉસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફે કબીર મહેતાએ કરેલા ઑર્ગન ડોનેશનને તાળીઓથી વધાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

ADVERTISEMENT
ઑર્ગન ડોનર કબીર મહેતાને સલામી આપી રહેલા હૉસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફ.
તાતા કન્સલ્ટન્સી સર્વિસિસમાં કામ કરતાં કબીર મહેતાનાં આઇ-સર્જ્યન પત્ની ડૉક્ટર બીજલ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કબીર માનવતા અને દૂરદૃષ્ટિનાં ઉદાહરણ છે. કેટલીક વ્યક્તિઓ એવું શાંત અને સરળ જીવન જીવી જાય છે કે તેમના ગયા પછી સમજાય છે કે તે માણસ સમાજના કેટલાય લોકોનો આશ્રયદાતા હતો. કબીર મહેતા આવું જ એક અનુપસ્થિત અસ્તિત્વ હતા. મંગળવારે શ્રીમદ રાજચંદ્ર મિશનના મૂલ્યવાન સભ્ય કબીર મહેતાનું બ્રેઇન-હૅમરેજને લીધે અવસાન થયું હતું. તેમણે ૨૦૧૬માં મિશનના ઑર્ગન ડોનેશન કાર્યક્રમમાં ઑર્ગન ડોનેટ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. એ મિશન પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની પ્રેરણાથી શરૂ થયું હતું. કબીર મહેતા આ મિશનના સૌપ્રથમ પ્રતિજ્ઞા લેનાર વ્યક્તિ હતા. તેમની સાથે મેં અને મારી પુત્રી ડૉ. મીરા મહેતાએ પણ ઑર્ગન ડોનેશનની પ્રતિજ્ઞા લીધી હતી. એ દિવસે ૫૦૦૦ લોકોએ એકસાથે પ્રતિજ્ઞા લીધી હતી. અમે ફક્ત પ્રતિજ્ઞા નહોતી લીધી પણ સમાજમાં ઑર્ગન ડોનેશન માટેની જાગરૂકતાના કૉર્પોરેટ તથા સમુદાયમાં કાર્યક્રમો પણ યોજ્યા હતા.’
પપ્પા બ્રેઇન-ડેડ થયા એ સમાચારથી મારાં મમ્મી વિચલિત થયાં હતાં, પરંતુ તેમણે અંગત વ્યક્તિ ગુમાવ્યાના દુઃખ વચ્ચે પણ શાંતિ અને સમતા જાળવીને પપ્પાની ૧૦ વર્ષ જૂની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે એક પણ પળનો વિચાર કર્યા વિના ડૉક્ટરોને ઑર્ગન ડોનેશન માટે મંજૂરી આપી દીધી હતી એમ જણાવતાં ડૉ. મીરા મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મમ્મી અને અમારા પરિવારના જાગ્રત તથા સમયસરના નિર્ણયને કારણે હૉસ્પિટલ અને ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ કો-ઑર્ડિનેશન સેન્ટર તાત્કાલિક જરૂરિયાત ધરાવતા જરૂરિયાતમંદ દરદીઓને ઑર્ગન પહોંચાડવા માટે સક્રિય અને સક્ષમ બન્યાં હતાં.’


