Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઊંઘમાં થર્ડ ફ્લોર પરથી ગ્રાઉન્ડમાં પટકાયાં, બચ્યાં

ઊંઘમાં થર્ડ ફ્લોર પરથી ગ્રાઉન્ડમાં પટકાયાં, બચ્યાં

22 December, 2022 09:40 AM IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

મલાડમાં બિલ્ડિંગનો ત્રીજા માળનો સ્લૅબ તૂટી પડતા ગુજરાતી કપલ ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યું પણ પલંગ સાથે પડ્યાં હોવાથી પતિ-પત્ની બચી ગયાં : જોકે કાટમાળમાંથી તેમને બહાર કાઢવા ફાયર બ્રિગેડની મદદ લેવી પડી : ઘટના બાદ આખું બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવ્યું

અનુરાગ બિલ્ડિંગના બેડરૂમના પિલરમાં બહારથી પડેલી તિરાડ, મલાડના અનુરાગ બિલ્ડિંગના ફર્સ્ટ ફ્લોરના સ્લૅબ પરથી લેવામાં આવી છે આ તસવીર (તસવીર : બકુલેશ ​ત્રિવેદી)

અનુરાગ બિલ્ડિંગના બેડરૂમના પિલરમાં બહારથી પડેલી તિરાડ, મલાડના અનુરાગ બિલ્ડિંગના ફર્સ્ટ ફ્લોરના સ્લૅબ પરથી લેવામાં આવી છે આ તસવીર (તસવીર : બકુલેશ ​ત્રિવેદી)


મલાડ-વેસ્ટમાં લિબર્ટી ગાર્ડનની બાજુમાં લાડવાડી પાસે આવેલા ગ્રાઉન્ડ પ્લસ ચાર માળના અનુરાગ બિલ્ડિંગના ત્રીજા માળે રહેતા જતીન પરીખ અને તેમનાં પત્ની રૂપા પરીખ ગઈ કાલે ઊંઘમાં જ તેમના પલંગ સાથે જ ત્રીજા માળનો સ્લૅબ તૂટી પડતાં ગ્રાઉન્ડ ફ્લોર સુધી પટકાયાં હતાં. કાટમાળ અને અન્ય સામાન સાથે નીચે પટકાયેલા આ દંપતીને બહાર કાઢવાના પ્રયાસ  સોસાયટીના અન્ય રહેવાસીઓએ કર્યા હતા, પણ બહુબધો કાટમાળ અને સામાન હોવાથી તેમને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી. ફાયર બ્રિગેડે બહુ જ કાળજીપૂર્વક તેમને વધુ ઈજા ન થાય એ રીતે કાટમાળ થોડો-થોડો દૂર કરી એમાંથી જગ્યા બનાવીને બંનેને બહાર કાઢ્યાં હતાં. રૂપા પરીખને પગમાં ઈજા થઈ છે, જ્યારે જતીનભાઈને નાના-મોટા ઉઝરડા થયા છે. બંનેને ગોરસવાડીમાં આવેલી થુંગા હૉસ્પિટલમાં દાખલ કરાયા છે અને તેમની હાલત સુધારા પર હોવાનું ફાયર બ્રિગેડ અને અન્ય રહેવાસીઓએ જણાવ્યું હતું. જોકે આ ઘટના બાદ સાવચેતીની દૃષ્ટિએ આખું મકાન ખાલી કરાવાયું છે. ફાયર બ્રિગેડે માત્ર લોકોને પોતાનો સામાન લેવાની છૂટ આપી હતી અને સાંજ સુધીમાં બિલ્ડિંગ ખાલી કરવાનું અલ્ટિમેટમ આપી દીધું હતું.

અંદાજે ૧૯૭૪માં બનેલા અનુરાગ બિલ્ડિંગમાં દરેક માળ પર ચાર ફ્લૅટ છે અને કુલ ૨૦ પરિવાર ત્યાં રહે છે. ગઈ કાલની આ દુર્ઘટના વિશે માહિતી આપતાં પહેલા માળે ૧૦૨ નંબરના ફ્લૅટમાં રહેતા સાગર સામંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બધા સૂતા હતા ત્યારે જોરદાર અવાજ આવતાં ઊઠી ગયા હતા. તપાસ કરી તો ખબર પડી કે બાજુના ફ્લૅટની ઉપરના ત્રીજા માળના બેડરૂમનો સ્લૅબ તૂટીને ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યો હતો. બહુબધો કાટમાળ અને સામાન નીચે પડ્યો હતો. ત્રીજા માળે રહેતા ફૅમિલી મેમ્બર જેઓ પટકાયા હતા તેમને બચાવવાના અમે પ્રયાસ કર્યા હતા, પણ કાટમાળ ઘણો હતો એટલે બચાવી શક્યા નહોતા. એથી તેમને રેસ્ક્યુ કરવા તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને તેઓ દોડી આવ્યા હતા. નસીબજોગે બીજા માળે અને પહેલા માળે રહેતું ફૅમિલી બહારના હૉલમાં સૂતું હતું એટલે બચી ગયું હતું.’




અન્ય એક રહેવાસીએ કહ્યું હતું કે ‘અમે ભરઊંઘમાં હતા. જોરદાર અવાજ આવતાં જાગી ગયા હતા. અમને લાગ્યું કે બાજુમાં રીડેવલપમેન્ટના એક મકાનનું કામ ચાલુ છે ત્યાં કશું થયું હશે. જોકે બારીમાંથી જોતાં એ બધુ બરાબર દેખાયું. એથી દરવાજો ખોલીને બહાર આવ્યા તો ખબર પડી કે બાજુના ફ્લૅટમાં બેડરૂમ તૂટી પડ્યો છે અને જતીનભાઈ અને તેમનાં વાઇફ નીચે પટકાયાં છે. જતીનભાઈનાં વૃદ્ધ મમ્મી ભાંગી પડ્યાં હતાં અને સતત રડી રહ્યાં હતાં. તેઓ બહારના હૉલમાં સૂતાં હતાં. જોકે અમે ત્યાર બાદ તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડને બોલાવી લીધી હતી અને બંને બચી ગયાં હતાં.’

અન્ય એક મહિલા રહેવાસીએ આંખમાં ઝળઝળિયાં સાથે કહ્યું હતું કે ‘વર્ષોથી અહીં સંસાર વસાવ્યો હતો. હવે એક જ દિવસમાં એને છોડીને જતાં પારવાર દુ:ખ થઈ રહ્યું છે.’


દુર્ઘટના બાદ બીએમસી અને ફાયર બ્રિગેડના અધિકારીઓએ મકાનની ચકાસણી કરી હતી અને રહેવાસીઓને વહેલી તકે સાંજ સુધીમાં જ મકાન ખાલી કરીને બીજે રહેવા જવાનું અલ્ટિમેટમ આપી દીધું હતું. બધા જ પરિવારોએ તેમની નજીકના સંબંધીને આ બાબતની જાણ કરીને તેમને ત્યાં રહેવા જવાની તૈયાર કરવા માંડી હતી. એક પછી જેટલો પણ સામાન હતો એ ભેગો કરીને તેમણે ઘર ખાલી કરવા માંડ્યું હતું. તેઓ કીમતી ચીજો સહિત ઘરવખરી અને અન્ય બધું જ લઈ માત્ર કોરી ભીંતો મૂકીને ત્યાંથી નીકળ્યા હતા. એક બહેનના ઘરમાં એક ડ્રૉઅરમાં મહત્ત્વની વસ્તુઓ હતી અને એ ડ્રૉઅરની ચાવી અફડતાફડીમાં મળી નહોતી રહી. આખરે  ટેમ્પોવાળાના માણસને બોલાવી એ ડ્રૉઅરનું તાળું તોડાવવું પડ્યું હતું. એક રહેવાસીએ કહ્યું હતું કે મકાનના રીડેવલપમેન્ટની વાતો એક બિલ્ડર સાથે ચાલી રહી હતી, પણ કોઈ ફાઇનલ નિર્ણય  લેવાયો નહોતો.

ફાયર બ્રિગેડના એક ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તે દંપતી અંદાજે ૫૦થી ૫૫ વર્ષનું હશે. એમાં પુરુષને બહુ ઈજા નહોતી થઈ, પણ આ ઘટનાથી બહુ જ ગભરાઈ ગયા હતા અને એટલે તેમનું બીપી હાઈ થઈ ગયું હતું. તેમના વાઇફનો પગ કાટમાળમાં ફસાઈ ગયો હતો અને સાંકડી જગ્યામાંથી કાટમાળ હટાવી તેમને રેસ્ક્યું કર્યા હતા. હાલ બંનેને થુંગા હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.’

Whatsapp-channel Whatsapp-channel

22 December, 2022 09:40 AM IST | Mumbai | Bakulesh Trivedi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK