કોઈ જાનહાનિ નહીં : બોરીવલીમાં ખાલી મકાનની દીવાલનો ભાગ તૂટીને રિક્ષા પર પડ્યો: બેને ઈજા થઈ
પ્રતીકાત્મક તસવીર
કાંદિવલી-વેસ્ટની શંકર લેનમાં સુમન બિલ્ડિંગના બીજા માળે આવેલા એક ફ્લૅટમાં ગઈ કાલે સવારે ૮.૪૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડ કન્ટ્રોલના જણાવ્યા અનુસાર પાંચ માળના બિલ્ડિંગમાં આગ લાગ્યાની જાણ થતાં બે ફાયર એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. આગ લાગ્યાની જાણ થતાં મકાનના રહેવાસીઓ નીચે ઊતરી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવ્યો હતો અને ૧૦.૦૬ વાગ્યે આગ ઓલવી નાખી હતી. આગમાં કોઈ જાનહાનિના કે કોઈના જખમી થવાના અહેવાલ નથી.
આગની બીજી એક ઘટના શંકર ગલીના મહાવીરનગરના સી-૨ બિલ્ડિંગમાં બની હતી.એમાં ભોંયતળિયે આવેલી એક ગાર્મેન્ટ શૉપમાં આગ લાગી હતી. શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું કહેવાઈ રહ્યું હતું. એ આગ પર પણ થોડી જ વારમાં કાબૂ મેળવી લેવાયો હતો.
ADVERTISEMENT
બીએમસીના જણાવ્યા અનુસાર બોરીવલી-ઈસ્ટમાં આવેલી નૅન્સી કૉલોનીમાં દીવાલ તૂટી પડવાની ઘટના નોંધાઈ હતી. નૅન્સી કૉલોની પાસે આવેલી મહિન્દ્ર કૉલોનીનું હાલ રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ગઈ કાલે બપોરે ૨.૩૦ વાગ્યે એના ખાલી કરાવી દેવાયેલા મકાનની દીવાલનો ભાગ તૂટીને રિક્ષા પર પડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં તરત જ એક ઍમ્બ્યુલન્સ અને બીએમસીનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. જોકે આ ઘટનામાં બે લોકોને ઈજા થવાની સાથે રિક્ષાને નુકસાન થયું હતું.