મુંબઈ ફાયર-બ્રિગેડના જણાવ્યા મુજબ મલાડ-વેસ્ટમાં જૈન મંદિર રોડ પર બે માળના એક્મે શૉપિંગ સેન્ટરમાં સાંજે ૬.૫૦ વાગ્યે આગની ઘટના નોંધાઈ હતી
અડધા કલાકમાં આગ પર કાબૂ મેળવીને બચાવકામગીરી હાથ ધરાઈ હતી
ગઈ કાલે સાંજે મલાડના એક શૉપિંગ-મૉલમાં અચાનક આગ લાગી હતી. એમાં ડઝનેક લોકો ફસાઈ જતાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે કોઈ જાનહાનિના અહેવાલ નથી. મુંબઈ ફાયર-બ્રિગેડના જણાવ્યા મુજબ મલાડ-વેસ્ટમાં જૈન મંદિર રોડ પર બે માળના એક્મે શૉપિંગ સેન્ટરમાં સાંજે ૬.૫૦ વાગ્યે આગની ઘટના નોંધાઈ હતી. પ્રથમ માળના એસી યુનિટમાં આગ લાગી હતી. પહેલા માળે બેથી ત્રણ દુકાનોના ઇલેક્ટ્રિક વિંગ, વુડન ફર્નિચર અને અન્ય મટીરિયલમાં આગ પ્રસરી હતી. શૉપિંગ સેન્ટરના પહેલા માળેથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા. ફાયર-બ્રિગેડે લેવલ વનની આગ જાહેર કરીને પાંચ ફાયર એન્જિન અને ચાર વૉટર-ટૅન્કર મોકલ્યાં હતાં.

ADVERTISEMENT
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ આગના સમયે મૉલ ચાલુ હોવાથી ડઝનથી વધારે લોકો ફસાઈ ગયા હોવાની વાત સામે આવી હતી. પહેલા માળેથી સાતથી આઠ અને બીજા માળેથી નવ લોકોને ફાયરના જવાનો દ્વારા સીડીના રસ્તે બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીએ ફાયર-જવાનોને જણાવ્યું હતું કે ૧૦થી ૧૨ લોકો ઉપરના માળે ફસાયેલા છે. અડધા કલાકમાં આગ પર કાબૂ મેળવીને બચાવકામગીરી હાથ ધરાઈ હતી. ટ્રાફિક-પોલીસ દ્વારા સુરક્ષાના પગલે રસ્તો બંધ કરાયો હતો.
