ત્રણેત્રણ આરોપીએ સરકારી ભંડોળની ઉચાપત કરવા માટે વિધાનસભ્યની ખોટી સહી કરી AIની મદદથી તેમનો ખોટો અવાજ પણ કાઢ્યો હોવાની ખાતરી થતાં
BJPના વિધાનસભ્ય પ્રસાદ લાડ
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી મારો અવાજ કાઢીને તેમ જ મારા જૂના લેટરહેડનો ઉપયોગ કરીને ૩.૬૦ કરોડ રૂપિયાના સરકારી ભંડોળની ઉચાપત થઈ હોવાની ચોંકાવનારી માહિતી ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય પ્રસાદ લાડે વિધાનસભામાં આપી હતી. આ મુદ્દે ગઈ કાલે તેમણે ત્રણ જણ સામે સાયન પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની જાણ થતાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ રાજ્યના વહીવટી તંત્રને વિધાનસભ્યોની બનાવટી સહી અને લેટરહેડનો ઉપયોગ કરીને ગેરકાયદે ભંડોળના ટ્રાન્સફરના વધતા જતા કિસ્સાને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.
વિધાનસભ્યનો જૂનો લેટરહેડ અને તેમનો અવાજ કાઢનાર આરોપીની ઓળખ કરવામાં આવી છે એમ જણાવતાં સાયન પોલીસ-સ્ટેશનના એક સિનિયર પોલીસ-અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે પ્રસાદ લાડના પર્સનલ અસિસ્ટન્ટ (PA) સચિન રાણેએ તેમને માહિતી આપી હતી કે બીડ જિલ્લાનાં ૩૬ વિકાસકાર્યો માટે ૩,૬૦,૦૦,૦૦૦ રૂપિયા રત્નાગિરિના જિલ્લા કલેક્ટરને બીડ જિલ્લાના કલેક્ટરને ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું હતું અને એ માટે તમારા નામનો લેટરહેડ વાપરવામાં આવ્યો છે. આ માહિતી મળ્યા બાદ તાત્કાલિક વધુ માહિતી કઢાવવા માટે તેમણે પોતાના PAને કહ્યું હતું. જ્યારે ઉપરોક્ત પત્રોની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે એમાંથી એક પત્ર જિલ્લા કલેક્ટર-બીડના નામે આપવામાં આવ્યો હતો. ઉપરોક્ત પત્રનો ફોટો મગાવીને તપાસ કરવામાં આવતાં એ લેટર જ્યારે પ્રસાદ લાડ BJPના પ્રદેશ ઉપાધ્યક્ષ હતા ત્યારનો હોવાનું જાણવા મળ્યું હતું. એના પરની સહી પણ બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. એ ઉપરાંત પત્રમાં ઉલ્લેખિત નંબર પણ ખોટો હોવાનું જાણવા મળ્યું હતું. એ પછી ભંડોળ વિશેના પત્રો કોણે આપ્યા એની તપાસ કરવામાં આવતાં એ પત્ર પ્રશાંત લાંડે નામની વ્યક્તિએ જિલ્લા આયોજન કાર્યાલય-બીડમાં રજૂ કર્યો હોવાની માહિતી મળી હતી. એટલે સચિન રાણેએ સૂત્રો પાસેથી પ્રશાંત લાંડેનો નંબર મેળવીને તેમને ફોન કરીને આ પત્ર કોણે આપ્યા હોવાનું પૂછતાં તેમણે કહ્યું હતું કે એ પત્ર મને નીલેશ વાઘમોડેએ આપ્યા હતા. ત્યાર બાદ નીલેશ વાઘમોડેને ફોન કરીને એ પત્રો કોણે આપ્યા હોવાનું પૂછવામાં આવતાં તેમને એ પત્ર સચિન બાંકરેએ આપ્યા હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ સચિન બાંકરેને ફોન કરવામાં આવતાં તેણે અસ્પષ્ટ જવાબ આપ્યા હતા. આ મામલે ત્રણેત્રણ આરોપીએ સરકારી ભંડોળની ઉચાપત કરવા માટે વિધાનસભ્યની ખોટી સહી કરી AIની મદદથી તેમનો ખોટો અવાજ પણ કાઢ્યો હોવાની ખાતરી થતાં ગઈ કાલે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.’

