આજે મુંબઈગરાના લાડકા બાપ્પાનું પાંચ દિવસનું વિસર્જન છે ત્યારે સાથે છત્રી રાખવાનું ભૂલતા નહીં.
ગઈ કાલે સીએસએમટી પર અચાનક જ વરસાદ પડતાં અમુક લોકો ઊંઘતા ઝડપાયા હતા. અતુલ કાંબળે
મુંબઈ : આજે મુંબઈગરાના લાડકા બાપ્પાનું પાંચ દિવસનું વિસર્જન છે ત્યારે સાથે છત્રી રાખવાનું ભૂલતા નહીં, કારણ કે મોસમ વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ મુંબઈમાં મધ્યમથી ભારે ઝાપટાં પડવાની પૂરતી શક્યતા છે. વળી મોટા ભાગે બધે જ આવાં ઝાપટાં પડી શકે એવી પણ શક્યતા મોસમ વિભાગે દર્શાવી છે.
મોસમ વિભાગના જણાવ્યા અનુસાર ગઈ કાલે પણ મુંબઈ સહિત નૉર્થ કોંકણમાં વરસાદનાં ઝાપટાં પડી રહ્યાં હતાં. આજે પણ મોટા ભાગે એવી જ પરિસ્થિતિ રહેશે. ગઈ કાલે કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડ્યો હતો. મોસમ વિભાગના મુંબઈના ડિરેક્ટર સુનીલ કાંબળેએ
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલની પરિસ્થિતિ જોતાં આવું જ વાતાવરણ આવનારા ચાર-પાંચ દિવસ રહે એવી શક્યતા છે. મૂળમાં ૧૫-૧૬ સપ્ટેમ્બરથી પાછોતરો વરસાદ રાજસ્થાનથી શરૂ થઈ જતો હોય છે. હવે એ આવતા અઠવાડિયાથી થાય શરૂ એવું લાગી રહ્યું છે.’
મોસમ વિભાગે મંગળ, બુધ, ગુરુમાં મુંબઈ માટે ગ્રીન અલર્ટ કહી છે; જ્યારે થાણે અને રાયગડ જિલ્લામાં યલો અલર્ટ જાહેર કરી છે. જોકે સુનીલ કાંબળેએ
એમ પણ કહ્યું હતું કે જે રીતે વાતાવરણમાં બદલાવ આવે અને પરિબળો
બદલાય એના આધારે અમે અમારી આગાહીઓમાં પણ સમયાંતરે ફેરફાર કરતા હોઈએ છીએ.

