શરીફુલ ઇસ્લામ અને CCTV કૅમેરાનાં ફુટેજમાં જોવા મળેલા યુવકનો ચહેરો મૅચ કરવાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવાનો દાવો
સૈફ અલી ખાન
સૈફ અલી ખાન પર ઘરમાં ઘૂસીને હુમલો કરવાના મામલામાં ધરપકડ કરવામાં આવેલા બંગલાદેશના આરોપી શરીફુલ ઇસ્લામ અને ઘટના સમયના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં કેદ થયેલી ઇમેજને મૅચ કરવામાં આવી છે, જેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવાનું પોલીસે ગઈ કાલે કહ્યું હતું. આથી ભારતમાં ગેરકાયદે ઘૂસી આવેલા શરીફુલ ઇસ્લામે જ સૈફ પર હુમલો કર્યો હોવાનું કન્ફર્મ થયું છે અને આરોપીના પિતાએ સૈફ પર પોતાના પુત્રે હુમલો ન કર્યો હોવાનો દાવો ખોટો ઠર્યો છે.
સૈફ પર હુમલાની તપાસ કરી રહેલા એક પોલીસ-અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘૧૬ જાન્યુઆરીએ સૈફના ઘરમાં ઘૂસીને હુમલો કરવાના મામલામાં આરોપી શરીફુલ ઇસ્લામની ઓળખ અને ધરપકડ કરવામાં ફેસ રેકગ્નિશન ટેક્નૉલૉજીની મહત્ત્વની ભૂમિકા રહી છે. જોકે આરોપીના પિતા સહિતના લોકોએ CCTV કૅમેરાનાં ફુટેજમાં જોવા મળેલો આરોપી અને ધરપકડ કરવામાં આવેલો આરોપી શરીફુલ ઇસ્લામ જુદા હોવાની શંકા વ્યક્ત કરી હતી. આથી અમે બન્નેના ફેસ મૅચ કરવાનો નિર્ણય લીધો હતો. અમે એક-બે નહીં, ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં CCTVની ૧૫ ઇમેજ મોકલી હતી. આથી બધાં ઍન્ગલથી ફેસ મૅચ કરવામાં આવ્યો હતો. ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીનો રિપોર્ટ આવી ગયો છે, જે પૉઝિટિવ છે. આથી હવે સૈફ પર હુમલો શરીફુલ ઇસ્લામે જ કર્યો હોવાનું સ્પષ્ટ થયું છે. જોકે તેની સાથે બીજી કોઈ વ્યક્તિ સૈફની સોસાયટી કે ફ્લૅટમાં ઘૂસી હતી કે કેમ એની તપાસ હજી ચાલી રહી છે.’
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે આરોપી શરીફુલ ઇસ્લામને કોર્ટે ૧૪ દિવસ જુડિશ્યલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો એટલે તે ૧૯ જાન્યુઆરીથી મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.

