ટ્રિકોટિલોમેનિયા બીમારી ધરાવતી આ છોકરીની સર્જારી બાઈ જેરબાઈ વાડિયા હૉસ્પિટલમાં કરવામાં આવી

વાડિયા હૉસ્પિટલમાં સર્જરી બાદ ૧૦ વર્ષની બાળકીના પેટમાંથી ૧૦૦ ગ્રામ વાળનો ગુચ્છો નીકળ્યો હતો
મુંબઈની બાઈ જેરબાઈ વાડિયા હૉસ્પિટલના ડૉક્ટરોને ૧૦ વર્ષની છોકરીના પેટમાંથી ૧૦૦ ગ્રામ વાળનો ગુચ્છો કાઢવામાં સફળતા મળી છે અને છોકરીને રાહત થઈ છે.
દાદરમાં રહેતી છોકરી કિયારા (નામ બદલ્યું છે) માસિક સ્રાવની દવા લઈ રહી હતી, કારણ કે તેને ૯ વર્ષની ઉંમરે જ માસિક આવી ગયું હતું, જેથી કિયારાને ભારે રક્તસ્રાવ થઈ રહ્યો હતો અને એને કારણે તે છેલ્લા એક વર્ષથી પેટમાં થઈ રહેલા અસહ્ય દુખાવાથી પીડાઈ રહી હતી. કિયારાનું ચેકઅપ કરતાં તેનામાં અન્ય કોઈ લક્ષણ દેખાયાં નહોતાં. જોકે બાળકીની બગડતી તબિયત જોઈને પરિવારજનો તેને સ્થાનિક ડૉક્ટર પાસે લઈ ગયા હતા. ડૉક્ટરની સલાહ પ્રમાણે તબીબી તપાસ દરમ્યાન કિયારાની બીમારીનું નિદાન થયું હતું એથી બાળકીની આગળની સારવાર માટે વાડિયા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
બાળકો માટેની બાઈ જેરબાઈ વાડિયા હૉસ્પિટલના પીડિયાટ્રિક સર્જ્યન ડૉ. પરાગ કરકેરાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમને ક્લિનિકલ તપાસ દરમ્યાન પેટમાં ગાંઠ હોવાનું લાગ્યું હતું. આવી સ્થિતિમાં દરદીને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પેટના દુખાવાને કારણે ઘણા દરદીઓ હૉસ્પિટલમાં આવે છે, પરંતુ એમાં કોઈ ગાંઠ હોતી નથી એથી અમે સીટીસ્કૅન કર્યું જેમાં પેટમાં વાળનો ગુચ્છો જોવા મળ્યો હતો. ત્યારે સમજાયું કે આ છોકરીને લાંબા સમયથી વાળ ખાવાની આદત હતી એને કારણે પેટમાં વાળનો ગુચ્છો ભેગો થયો હતો. આવી સ્થિતિમાં દરદીને પોતાના વાળ ખેંચવાની તીવ્ર ઇચ્છા થાય છે અને પોતાના વાળ ખાવા માંડે છે. જોકે તે વાળ ખાતી હોવાની જાણ તેનાં માતા-પિતાને નહોતી. આખા પેટમાં વાળ હતા છતાં નવાઈની વાત એ છે કે તે કંઈ પણ પી શકતી હતી, પણ તેનું ખાવાનું ઓછું થઈ ગયું હતું.’
ડૉ. કરકેરાએ જણાવ્યું હતું કે ‘બાળકી પર ગૅસ્ટ્રોટૉમી પ્રક્રિયા કરવામાં આવી હતી. આ પ્રક્રિયા લગભગ બે કલાક ચાલી હતી અને ત્યાર બાદ ૧૦૦ ગ્રામ હેર-બૉલ દૂર કરવામાં આવ્યો હતો. જો સમયસર સારવાર ન કરાવી હોત તો આંતરડામાં અવરોધ, પેટની દીવાલ અને નાના આંતરડામાં કાણાં પડવા જેવી તકલીફો થઈ શકી હોત. જોકે હવે સર્જરી બાદ દરદીની તબિયત સુધરી રહી છે.’
બાઈ જરબાઈ વાડિયા હૉસ્પિટલ ફૉર ચિલ્ડ્રનનાં સીઈઓ ડૉ. મિની બોધનવાલાએ જણાવ્યું હતું કે ‘વાડિયા હૉસ્પિટલ ગંભીર અને જીવલેણ બીમારીઓ ધરાવતાં બાળકોની સંભાળ રાખવામાં મોખરે છે. એની સાથે અત્યાધુનિક ટેક્નૉલૉજી ઉપરાંત વાડિયા હૉસ્પિટલ સચોટ નિદાન ઝડપથી અને અસરકારક રીતે પૂરી પાડે છે.’
બાળકીની મમ્મીએ જણાવ્યું હતું કે ‘મારી દીકરીને પેટમાં અસહ્ય દુખાવો થતો હતો અને તેની તબિયત લથડી રહી હતી. દવા લેવા છતાં દીકરીની પીડા ઓછી થતી નહોતી. અમે ઘણા ડૉક્ટરની સલાહ લીધી, પણ તેની તબિયતમાં સુધારો નહોતો થતો. તેના પેટમાં વાળ હોવાનું જાણીને અમે ચોંકી ગયા હતા.’