મુંબઈમાં આયોજિત સ્પેશ્યલ શોમાં ફિલ્મ ‘સ્વાતંયવીર સાવરકર’ જોયા બાદ દેવેન્દ્ર ફડણવીસની ખુલ્લી ઑફર
ફિલ્મ ‘સ્વાતંયવીર સાવરકર’ના સ્પેશ્યલ શોમાં રણદીપ હૂડા અને અંકિતા લોખંડે સાથે દેવેન્દ્ર ફડણવીસ.
ક્રાન્તિકારી, સ્વતંત્રતાસેનાની અને પ્રખર હિન્દુત્વવાદી વીર સાવરકરના જીવન પર આધારિત ‘સ્વાતંયવીર સાવરકર’ ફિલ્મ હિન્દી અને મરાઠી ભાષામાં શુક્રવારે રિલીઝ થઈ છે. એનો શનિવારે મુંબઈમાં સ્પેશ્યલ શો રાખવામાં આવ્યો હતો. ફિલ્મ જોયા બાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથે વાતચીત કરી હતી. એમાં તેમણે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ અને ડાબેરી વિચારધારાના ઇતિહાસકારોએ સૌથી વધુ અન્યાય સ્વાતંયવીર સાવરકરને કર્યો છે. વીર સાવરકરના જીવનની હકીકત આ ફિલ્મ દ્વારા રજૂ કરવામાં આવી છે. બધાએ એક વાર ફિલ્મ જોવી રહી. વીર સાવરકર નીડર નેતાની સાથે સમાજસેવક અને મરાઠી ભાષાને સમૃદ્ધ કરનારા સાહિત્યકાર પણ હતા. રાહુલ ગાંધી આ ફિલ્મ જોવા આવતા હોય તો હું આખું થિયેટર બુક કરીશ અને તેમને એકલાને ફિલ્મ જોવાની વ્યવસ્થા કરીશ. તેમણે સાવરકરને વાંચ્યા નથી એટલે તેમને સાવરકર સમજાયા ન હોવાથી કાયમ તેમના વિરોધમાં બોલે છે. હું તેમને આહવાન કરું છું કે તેમણે આ ફિલ્મ જોવી જોઈએ.’

