‘મી પુન્હા યેઇન’. દેવેન્દ્ર ફડણવીસનું આ નિવેદન ખૂબ ગાજ્યું હતું
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ અજિત પવાર
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ અજિત પવારે શુક્રવારે પુણેમાં એક પુસ્તક-પ્રકાશનના કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિશે મશ્કરીમાં કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસે બજેટ કેવી રીતે સમજી શકાય એ વિષય સાથેનું એક પુસ્તક લખ્યું છે. હું મુંબઈ ગયા બાદ દેવેન્દ્ર ફડણવીસને વધુ એક પુસ્તક લખવાની સલાહ આપીશ. આ પુસ્તકને તેમણે ‘મી પુન્હા યેઇન, મી પુન્હા યેઇન, મી પુન્હા યેઇન’ નામ આપવું જોઈએ.’
ઉલ્લેખનીય છે કે ૨૦૧૯માં વિધાનસભાની ચૂંટણીમાં BJP અને એ સમયની અખંડ શિવસેનાની યુતિને બહુમતી મળી હોવા છતાં મુખ્ય પ્રધાનપદ માટે વિવાદ થતાં ઉદ્ધવ ઠાકરેએ યુતિ તોડી નાખી હતી. બાદમાં કૉન્ગ્રેસ અને NCP સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. દેવેન્દ્ર ફડણવીસ વિરોધ પક્ષના નેતા હતા ત્યારે તેમણે વિધાનસભા અને બાદમાં એકથી વધુ વખત કહ્યું હતું કે અત્યારે ભલે આ લોકોએ સરકાર બનાવી, પણ ‘મી પુન્હા યેઇન’. દેવેન્દ્ર ફડણવીસનું આ નિવેદન ખૂબ ગાજ્યું હતું. મહા વિકાસ આઘાડીના નેતાઓએ દેવેન્દ્ર ફડણવીસની ખૂબ મજાક ઉડાવી હતી. જોકે દેવેન્દ્ર ફડણવીસે પોતાનો નિર્ધાર સાચો કરી બતાવ્યો હતો.

