બૅન્ગલોરના શિવાજીનગર મેટ્રો સ્ટેશનનું નામ સેન્ટ મૅરી કર્યું એને પગલે દેવેન્દ્ર ફડણવીસે કર્ણાટક સરકારની ટીકા કરીને કહ્યું...
દેવેન્દ્ર ફડણવીસ
બૅન્ગલોરના શિવાજીનગર મેટ્રો સ્ટેશનનું નામ બદલીને સેન્ટ મૅરી કરવાના કર્ણાટક સરકારના નિર્ણયની મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટીકા કરી છે. જવાહરલાલ નેહરુના સમયથી કૉન્ગ્રેસ સરકાર મરાઠા રાજાઓનું અપમાન કરતી આવી છે એમ કહીને દેવેન્દ્ર ફડણવીસે રોષ વ્યક્ત કર્યો હતો.
કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ મેટ્રો સ્ટેશનનું નામ શિવાજીનગરને બદલે સેન્ટ મૅરી કરવાની જાહેરાત કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘હું આ નિર્ણયનો વિરોધ કરું છું. જવાહરલાલ નેહરુએ તેમના પુસ્તક ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’માં પણ શિવાજી મહારાજ વિશે અપમાનજનક માહિતી આપી હતી. ત્યારથી કૉન્ગ્રેસ મરાઠા યોદ્ધાઓ અને રાજાઓનું અપમાન કરતી આવી છે. ભગવાન સિદ્ધારમૈયાને સદ્બુદ્ધિ આપે કે ધર્મના આધારે નિર્ણય લઈને મરાઠા રાજાની વિરુદ્ધ લેવાયેલા આ નિર્ણયને આગળ ન વધારે.’


