ગોલ્ડનો ભાવ ૬૨,૦૦૦ રૂપિયા હોવા છતાં ગઈ કાલે ઝવેરીઓને ત્યાં સારીએવી ભીડ જોવા મળી હતી

ઝવેરીબજારમાં આવેલા એક શોરૂમની બહાર સિક્કા લેવા માટે લાંબી લાઇન લાગી હતી. સૈયદ સમીર અબેદી
મુંબઈ ઃ ગઈ કાલે ધનતેરસના દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થવાથી અને મહિનાના અંતથી શરૂ થતી લગ્નની સીઝનને કારણે મુંબઈના ઝવેરીબજારમાં અને મુંબઈના જ્વેલરોના શોરૂમ પર માનવમેદની ઊમટી પડી હતી. ઝવેરીબજારમાં તો ચાંદીના અને સોનાના સિક્કા લેવા માટે લાંબી લાઇનો લાગી હતી.
છેલ્લાં ત્રણ વર્ષથી દશેરા કરતાં ધનતેરસના દિવસે સોનું અને સોનાની જ્વેલરી ખરીદનારાઓમાં જબરદસ્ત વધારો થયો છે. આ માહિતી આપતાં ઘાટકોપર અને મુલુંડમાં શોરૂમ ધરાવતા દર્શના જ્વેલર્સના પાર્ટનર અમીષ ભીમાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા દોઢ-બે મહિનામાં લોકોએ સોનામાં જબરી તેજી જોઈ છે. એક સમયે ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૫૭,૦૦૦ રૂપિયા હતો એ વધીને ૬૪,૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો હતો, જેની સીધી અસર ધનતેરસના દિવસે જોવા મળી હતી. ગઈ કાલે ધનતેરસના દિવસે સોનાનો ભાવ ૬૨,૦૦૦ રૂપિયા ૧૦ ગ્રામનો હતો. આમ સરખામણીમાં આ ભાવ ઊંચો હતો, પરંતુ લોકોએ ૬૪,૦૦૦નો ભાવ જોયો હતો એની સામે આ ભાવ ઓછો હોવાથી ગઈ કાલે ઘરાકી ઊમટી હતી. સવારે શરૂઆત ઠંડી હતી, પણ ત્યાર પછી દુકાન વધાવવા સુધી અમને ઊંચે જોવાનો સમય નહોતો મળ્યો.’
ADVERTISEMENT
ઓવરઑલ બે વર્ષ પછી આ વર્ષે ધનતેરસની ઘરાકીમાં જબરો વધારો જોવા મળ્યો હતો એમ જણાવતાં ઝવેરીબજારમાં સોનાની જ્વેલરીનો બિઝનેસ કરતા વૈભવ આર્ટ જ્વેલર્સના માલિક ગૌતમ ઝવેરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સોના અને ચાંદીના સિક્કાની સાથે જ્વેલરીની પણ જબરી માગ હતી. સોના અને ચાંદીના ભાવઘટાડાની સીધી અસર ઝવેરીબજારમાં જોવા મળી હતી. લોકોનાં ટોળેટોળાં ખરીદી કરવા ઊમટી પડ્યાં હતાં. ગયા વર્ષની ધનતેરસની સરખામણીમાં ૧૫થી ૨૦ ટકાની બિઝનેસમાં વૃદ્ધિ જોવા મળી હતી. આવતા મહિનાથી લગ્નની સીઝન શરૂ થઈ રહી છે, જેને કારણે પણ ઘરાકી જોરદાર હતી.’
સોનાના ભાવમાં ઘટાડો અને લગ્નની સીઝનને કારણે ગઈ કાલે માર્કેટમાં ઘરાકી સારી હતી એમ જણાવતાં જેમ્સ ઍન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના ઝોનલ કમિટી મેમ્બર દિલીપ લાગુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા વર્ષની ધનતેરસની સામે આ વર્ષની ધનતેરસમાં ઘરાકીમાં ૧૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો. વર્ષોથી મુંબઈમાં ધનતેરસે ઘરાકી જોવા મળે છે. આ ધનતેરસે પણ લોકોએ ઉત્સાહમાં સોનાની અને સોનાની જ્વેલરીની ખરીદી કરી હતી.’
અમારા ઝવેરીબજારમાં સોના અને ચાંદીના સિક્કાની ખરીદી જોરદાર હતી એમ જણાવતાં ઑલ ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના ડિરેક્ટર કપિલ પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે રાતના નવ વાગ્યા સુધી શોરૂમમાં ઘરાકી હતી, પરંતુ જ્વેલરી કરતાં લોકો સિક્કા વધારે ખરીદતા હતા. જોકે ઉપનગરોમાં જ્વેલરીની ખરીદી પણ જોરદાર હોવાના અમને સમાચાર મળ્યા હતા.’

