હાઈ કોર્ટે આઇઆઇટીના સ્ટુડન્ટ અરમાન ખત્રીને જામીન આપતી વખતે આવું કહ્યું
દર્શન સોલંકી
મુંબઈ (પી.ટી.આઇ.) : દર્શન સોલંકીની આત્મહત્યાના કેસમાં અદાલતે આઇઆઇટી-બૉમ્બેના સ્ટુડન્ટ અરમાન ખત્રીને જામીન આપતાં કહ્યું હતું કે સુસાઇડ નોટમાં ઉશ્કેરણી માટેના આરોપો પૂરતા નથી.
નવમી એપ્રિલે અરમાન ખત્રીની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે શનિવારે એના આદેશમાં એમ પણ કહ્યું હતું કે અરમાન ખત્રી દર્શન સોલંકીને જાતિગત ભેદભાવના આધારે હેરાન કરતો હતો અથવા બાદમાં તેને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરતો હોવાનું દર્શાવવા માટે રેકૉર્ડમાં કંઈ વિદિત થતું નથી.
અમદાવાદના દર્શન સોલંકીએ આઇઆઇટી-બૉમ્બેના કૅમ્પસના હૉસ્ટેલ બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. એનાં ત્રણ અઠવાડિયાં પછી મુંબઈ પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ને સોલંકીની રૂમમાંથી એક લીટીની નોંધ મળી હતી જેમાં લખ્યું હતું કે ‘અરમાને મારી હત્યા કરી છે.’
પોલીસના જણાવ્યા મુજબ દર્શન સોલંકીએ મુસ્લિમ ધર્મ વિશે અપમાનજનક વાત કર્યા પછી અરમાન ખત્રીએ તેને પેપરકટરથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે અરમાન ખત્રીએ તેની જામીનઅરજીમાં દાવો કર્યો હતો કે તેનો કથિત ગુના સાથે કોઈ સંબંધ નથી અને ઘટનાના લગભગ બે મહિના પછી શંકાના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા પછી જણાવ્યું હતું કે ‘રેકૉર્ડ પરના કાગળોનું અવલોકન કરવાથી જાણવા મળે છે કે તપાસ અધિકારીએ સાક્ષીઓનું નિવેદન નોંધ્યું હતું અને આરોપીના કહેવા પર પેપરકટર કબજે કર્યું હતું. નિવેદનો દર્શાવે છે કે આરોપીના ધર્મ પર તેની ટિપ્પણી બદલ મૃતકે વારંવાર આરોપીની માફી માગી હતી.’
કોર્ટે કહ્યું હતું કે ‘આરોપી દ્વારા મૃતકને પેપરકટર બતાવવાની એક ઘટના સિવાય રેકૉર્ડ પર એવું કંઈ નથી જેના દ્વારા સાબિત થાય કે આરોપીએ દર્શન સોલંકીને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો. અરમાન ખત્રીની અટકાયત માટે પૂરતાં કારણો બહાર આવ્યાં નથી.’


