Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કેવાયસી અપડેટ કરવાના બહાને કરાઈ છેતર​પિંડી

કેવાયસી અપડેટ કરવાના બહાને કરાઈ છેતર​પિંડી

Published : 28 December, 2023 10:15 AM | IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

સાઇબર ગઠિયાએ સપ્ટેમ્બર ૨૦૨૨માં મૃત્યુ પામેલા ગુજરાતીના બૅન્ક-અકાઉન્ટમાંથી ૩.૬૦ રૂપિયા લાખ કાઢી લીધા

પ્રતીકાત્મક તસવીર

Cyber Crime

પ્રતીકાત્મક તસવીર


વિલે પાર્લેમાં રહેતા એક વેપારીનું સપ્ટેમ્બર ૨૦૨૨માં મૃત્યુ થયું હતું. ત્યાર બાદ તેમના બૅન્ક-અકાઉન્ટમાં રહેલા પૈસાની દેખરેખ તેમની બહેન રાખતી હતી. દરમિયાન તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર બૅન્ક-અધિકારી હોવાનું કહીને એક વ્યક્તિએ ફોન કર્યો હતો. તેણે મૃત્યુ પામેલી વ્ય​​ક્તિના બૅન્ક-અકાઉન્ટમાં તરત કેવાયસી અપડેટ કરવા માટે કહ્યું હતું. ત્યાર બાદ તેણે એક લિન્ક મોકલી હતી. એના પર ક્લિક કરતાં થોડી જ વારમાં એ અકાઉન્ટમાંથી ૩.૬૦ લાખ રૂપિયા કપાયા હોવાની માહિતી મળી હતી. અંતે આ ઘટનાની ફરિયાદ જુહુ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.

વિલે પાર્લે-પશ્ચિમમાં લાલા લજપતરાય રોડ પરની એક સોસાયટીમાં રહેતાં એલઆઇસી એજન્ટ ૭૭ વર્ષનાં સ્મિતા શાહે કરેલી ફરિયાદ અનુસાર તેમના ભાઈ અભય શાહનું સપ્ટેમ્બર ૨૦૨૨માં અવસાન થયું હતું. ત્યારથી તેઓ સ્વર્ગસ્થ ભાઈના બૅન્ક-ખાતાના વ્યવહારો પર દેખરેખ રાખે છે અને એ માટે અકાઉન્ટમાં પોતાનો મોબાઇલ નંબર લિન્ક કર્યો છે. દરમિયાન ૨૫ ડિસેમ્બરે બપોરે અમિત ખન્ના નામની વ્ય​​ક્તિએ ફોન કરીને પોતાની ઓળખ બૅન્ક-કર્મચારી તરીકે આપી હતી. તેણે જણાવ્યું હતું કે અભય શાહના નામે રહેલા બૅન્ક-અકાઉન્ટમાં કેવાયસી અપડેટ કરવું પડશે અને એના માટે ઓટીપી આપવો પડશે. ફરિયાદીએ તેને ઓટીપી આપવાની ના પાડી ત્યારે તેણે મોબાઇલ પર એક લિન્ક મોકલીને એના પર ક્લિક કરવા કહ્યું હતું. આ ઉપરાંત એ તરત નહીં કરો તો બૅન્ક-અકાઉન્ટ બંધ કરવામાં આવશે એવું પણ કહેવામાં આવ્યું હતું. ફરિયાદીએ લિન્ક પર ક્લિક કર્યું ત્યારે તેમણે ફરી ઓટીપી મોકલ્યો હતો. એ આપ્યા પછી મૃત ભાઈના બૅન્ક-ખાતામાંથી પૈસા ડેબિટ થઈ ગયા હતા, પરંતુ કેટલા ડેબિટ થયા એની કોઈ માહિતી મળી નહોતી. એથી તરત જ ફરિયાદીએ કસ્ટમર કૅરને ફોન કરીને બૅન્ક-અકાઉન્ટ બંધ કરવા કહ્યું હતું. બીજા દિવસે તેમણે બૅન્કમાં જઈને અકાઉન્ટ ​વિશે વધુ તપાસ કરી ત્યારે ૩.૬૦ લાખ રૂપિયા ઊપડી ગયા હોવાની માહિતી મળતાં આ ઘટનાની ફરિયાદ જુહુ પોલીસ સ્ટેશનમાં કરી હતી.



જુહુ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે અમે સાઇબર ફ્રૉડની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. એની સાથે ફરિયાદીના બૅન્ક-અકાઉન્ટમાંથી ઉપાડેલા પૈસા ક્યાં વાપરવામા આવ્યા છે એની માહિતી કાઢવામાં આવી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2023 10:15 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK