મુંબઈ: તપસ્વીઓનાં કરાયાં ઑનલાઇન પારણાં
શ્રી વિધિકાર વરસી તપ આરાધક નરેન્દ્રભાઈ નંદુ લેપટોપ પર અછલગચ્છાધિપતિ શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ના મુખેથી ઑનલાઇન માંગલિક સાંભળી રહ્યા છે અને તપસ્વીઓને ઑનલાઇન આશીર્વાદ આપી રહેલા અચલગચ્છ સંપ્રદાયના ગચ્છાધિપતિ શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.
જૈન ધર્મમાં હજારો વર્ષથી ચાલતા વરસી તપની સાધનાનું અનેરું મહત્વ છે. એક દિવસ ઉપવાસ અને એક દિવસ પારણું એવા ૧૩ મહિનાના તપની પરંપરા જૈન ધર્મના પહેલા તીર્થંકર ભગવાન આદિનાથે શરૂ કરી હતી. દર વર્ષે દેશ-વિદેશમાં વસતા જૈનો મોટી સંખ્યામાં વરસી તપ કરે છે. ૪૦૦ દિવસના તપ બાદ સાધુ-ભગવંતોની નિશ્રામાં મોટા પાયે પારણાંનું આયોજન કરવામાં આવે છે. જોકે અત્યારના કોરોનાના સંકટને લીધે પારણાં મહોત્સવનું આયોજન શક્ય ન હોવાથી ટેક્નૉલૉજીના માધ્યમથી અચલગચ્છ સંપ્રદાયના કચ્છના ૭૨ જિનાલય તીર્થ ખાતે બિરાજમાન અચલગચ્છાધિપતિ શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.એ ગઈ કાલે વરસી તપની સાધના કરનારા ૪૦૦થી વધુ તપસ્વીઓને માંગલિક સંભળાવીને પારણાં કરાવ્યાં હતાં.
અચલગચ્છ સંપ્રદાયની માતૃસંસ્થા શ્રી અખિલ ભારત અચલગચ્છ વિધિપક્ષ શ્વેતામ્બર જૈન સંઘ દ્વારા ૨૯ વર્ષથી મુંબઈમાં સામૂહિક રીતે દરેક તપસ્વીનાં પારણાંનું આયોજન થાય છે, જેમાં દેશભરના ૨૫૦થી ૩૦૦ તપસ્વીઓ જોડાય છે. આ વર્ષે ચૂનાભઠ્ઠીમાં આવેલા સોમૈયા ગ્રાઉન્ડનું બુકિંગ ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં જ કરી દેવાયું હતું.
ADVERTISEMENT
વરસી તપ પારણાં સમિતિના કન્વીનર હરખચંદ ગંગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાના સંકટને લીધે આજની સ્થિતિમાં કોઈ પણ કાર્યક્રમનું આયોજન કરવું મુશ્કેલ છે. આથી દેશભરના વરસી તપ તપસ્વીનાં પારણાંનાં પચ્ચક્ખાણ મહારાજસાહેબ ઑનલાઇન આપી શકે એ માટે યુટ્યુબ લાઇવનો કન્સેપ્ટ અમે એક ફોટોગ્રાફરને ૭૨ જિનાલયમાં બિરાજમાન મહારાજસાહેબ પાસે મોકલીને ઊભો કર્યો હતો. સાહેબે માંગલિક સંભળાવ્યા બાદ પારણાંનાં પચ્ચક્ખાણ આપ્યાં હતાં. સૌએ પોતપોતાના ઘરે બેસીને કમ્પ્યુટર, લૅપટૉપ કે મોબાઇલમાં સાહેબજીનાં લાઇવ દર્શન કરીને શેરડીના રસથી પારણાં કર્યાં હતાં. ત્યાર બાદ એક કલાક સુધી સમાજના શ્રેષ્ઠીઓએ વિડિયો તૈયાર કર્યા હતા એ શૅર કર્યા હતા.’
ઉલ્લેખનીય છે કે ગચ્છાધિપતિ શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી અત્યારે કચ્છમાં માંડવી-ભુજ હાઇવે પરના કોડાય પુલ પાસેના ૭૨ જિનાલય તીર્થમાં બિરાજમાન છે. તેમણે પણ તપસ્વીઓની સાથે તીર્થના મૅનેજર રતિલાલ લોડાયાના હાથે શેરડીનો રસ ગ્રહણ કરીને પારણાં કર્યાં હતાં. મહારાજસાહેબનું આ ૫૩મા વરસી તપનું પારણું હતું અને તેમણે તરત જ ૫૪મા વરસી તપની શરૂઆત કરી હતી. સામાન્ય સંજોગોમાં મહારાજસાહેબને પારણું કરવા માટે લાખો રૂપિયાની બોલી લગાવાતી હોય છે, પરંતુ આ વખતે આવું આયોજન કરવાનું શક્ય ન હોવાથી આ વિધિ સાદાઈથી કરવામાં આવી હતી.

