Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુલુંડની ટીબીઝેડના ડિરેક્ટર સામે સાડાછ કરોડની છેતરપિંડીની ફરિયાદ

મુલુંડની ટીબીઝેડના ડિરેક્ટર સામે સાડાછ કરોડની છેતરપિંડીની ફરિયાદ

Published : 09 September, 2021 07:00 AM | IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

સોના-ચાંદી બનાવતી ભાવિ જ્વેલર્સ નામની કંપનીએ સપ્લાય કરેલા દાગીનાના પૈસા ન મળતાં મુલુંડ પોલીસમાં ફરિયાદ નોંધાવી

મુલુંડની ટીબીઝેડના ડિરેક્ટર સામે સાડાછ કરોડની છેતરપિંડીની ફરિયાદ

મુલુંડની ટીબીઝેડના ડિરેક્ટર સામે સાડાછ કરોડની છેતરપિંડીની ફરિયાદ


મુલુંડ-વેસ્ટમાં એલબીએસ માર્ગ પર નિર્મલ લાઇફસ્ટાઇલ મૉલમાં આવેલી ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી ઍન્ડ સન્સ રીટેલ પ્રા.લિ.ના ડિરેક્ટર હેમંત વૃજલાલ ઝવેરી અને ગણેશ નાઇક સામે મુલુંડ પોલીસ સ્ટેશનમાં ૬.૫૭ કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. કરોડો રૂપિયાની છેતરપિંડીના આ કેસ વિશે માહિતી આપતાં કેસના તપાસ અધિકારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર હર્ષદ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોના-ચાંદીનાં ઘરેણાં બનાવતી ભાવિ જ્વેલર્સના હર્ષ સુસાનિયાએ મુલુંડમાં નિર્મલ લાઇફસ્ટાઇલમાં આવેલી ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી ઍન્ડ સન્સ રીટેલ પ્રા.લિ.ના ડિરેક્ટર હેમંત વૃજલાલ ઝવેરી અને ગણેશ નાયક સામે ૬.૫૭ કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. એમાં અમે આઇપીસીની કલમ ૪૨૦ (છેતરપિંડી), ૪૦૬ (વિશ્વાસઘાત કરવો) અને ૩૪ (સાથે મળીને ગુનાહિત કૃત્ય કરવું) હેઠળ એફઆઇઆર (૯૨૪/૨૦૨૧) નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે. અમે કેસના આરોપી હેમંત ઝવેરીની પૂછપરછ કરી તેનું સ્ટેટમેન્ટ નોંધી પ્રાથમિક તપાસ ચાલુ કરી છે. કેસમાં કોઈની ધરપકડ કરી નથી.’ 
કેસની વધુ વિગતો આપતાં પીએસઆઇ હર્ષદ પાટીલે કહ્યું હતું કે ‘વર્ષોથી બન્ને પાર્ટી એકબીજાને ઓળખે છે. ભાવિ જ્વેલર્સ દાગીના બનાવવાનું મૅન્યુફૅક્ચરિંગ યુનિટ ધરાવે છે અને ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી ઍન્ડ સન્સ રીટેલ પ્રા.લિ. તેમની પાસેથી દાગીના લે છે. બધો જ વ્યવહાર ચોખ્ખો છે. બિલ બને છે, ડિલિવરી ચલાન છે, બધું જ છે. ફરિયાદી હર્ષ સુસાનિયાએ તેની ફરિયાદમાં કહ્યું છે કે ૨૦૧૫થી લઈને ૨૦૧૮ સુધીમાં આ છેતરપિંડી થઈ છે. તેમના દ્વારા ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી ઍન્ડ સન્સ રૂટેલ પ્રા.લિ.ને માલ (દાગીના) બનાવીને આપવામાં આવતા હતા, પણ એ પછી ધીમે-ધીમે પેમેન્ટ અટકવા માંડ્યું હતું. વાયદાઓ થવા માંડ્યા હતા કે બે મહિના ખમી જાવ, ત્રણ મહિના ખમી જાવ, હાલ જરા ધંધો ઓછો છે, પૈસા આપી દઈશું, ચિંતા ન કરો. જોકે લાંબો સમય પેમેન્ટ ન મળતાં ભાવિ જ્વેલર્સે કહ્યું કે પહેલાં જૂના માલનું પેમેન્ટ ક્લિયર કરો, પછી બીજો માલ આપીશું. તો કહે કે તમે માલ આપશો તો એ વેચીને પણ તમારું પેમેન્ટ કરીશું, ચિંતા ન કરો. એથી વધુ માલ આપવામાં આવ્યો અને આખરે એ બધી જ રકમ સલવાઈ ગઈ હતી. જોકે એ પછી કોરોના આવ્યો અને લૉકડાઉનનું બહાનું આગળ કરવામાં આવ્યું, પણ પેમેન્ટ કરાયું નહીં. એ પછી એમ પણ કહેવાયું કે અમે પ્રૉપર્ટી વેચીને પણ તમારા પૈસા ચૂકતે કરીશું. પછી કહેવાયું કે મેં (હેમંત ઝવેરી) મારું ઘર વેચવા કાઢ્યું છે, પણ હાલ ભાવ નથી આવી રહ્યો. આમ એક પછી એક કારણો આપવામાં આવ્યાં, પણ પેમેન્ટ થતું નહોતું એથી આખરે પોલીસમાં ફરિયાદ કરવી પડી.’


પીએસઆઇ હર્ષદ પાટીલે વધુમાં કહ્યું હતું કે ‘અમે જ્યારે હેમંત ઝવેરીની પૂછપરછ કરી ત્યારે તેણે કબૂલ્યું છે કે તેણે ભાવિ જ્વેલર્સને પૈસા આપવાના નીકળે છે એ વાત સાચી છે અને તે પૈસા આપવા માગે પણ છે, પણ તેની પાસે હાલ એની સગવડ નથી.’    

‘મિડ-ડે’ દ્વારા આ કેસના ફરિયાદી ભાવિ જ્વેલર્સના હર્ષ સુસાનિયાનો સંપર્ક કરાયો હતો. તેમણે મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હોવાનું કહ્યું હતું, પણ એ વખતે તેઓ ફ્લાઇટમાં હોવાથી વધુ વાત કરવા અસમર્થતા દર્શાવી હતી. જ્યારે હેમંત વૃજલાલ ઝવેરી અને ગણેશ નાઇકનો સતત કોશિશ કરવા છતાં સંપર્ક નહોતો થઈ શક્યો.

અમારે આ કંપની સાથે કંઈ લાગતુંવળગતું નથી 
ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી ઍન્ડ સન્સ, ઑપેરા હાઉસમાં આવેલી પેઢીને આ કંપની સાથે કંઈ લાગતુંવળગતું નથી અને એ ટોટલ અલગ કંપની છે એમ ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી ઍન્ડ સન્સ, ઑપેરા હાઉસ દ્વારા કહેવામાં આવ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2021 07:00 AM IST | Mumbai | Bakulesh Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK