કોસ્ટલ રોડમાં ત્રીજા તબક્કાનો રસ્તો આજે સવારે સાત વાગ્યે ખુલ્લો મુકાશે
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે કોસ્ટલ રોડની મુલાકાત લીધી હતી.
કોસ્ટલ રોડમાં હાજી અલીથી વરલી સી-ફેસ સુધીનું કામ પૂરું થઈ ગયું છે એટલે આજે સવારના સાત વાગ્યે ત્રીજા તબક્કામાં આ માર્ગ ખુલ્લો મૂકવામાં આવશે. આથી વાહનચાલકો મરીન લાઇન્સથી વરલી સી-ફેસ સડસડાટ પહોંચી શકશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે કોસ્ટલ રોડની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનર-કમ-ઍડ્મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી. મુખ્ય પ્રધાને આ સમયે કહ્યું હતું કે ‘કોસ્ટલ રોડનું કામ જેમ-જેમ પૂરું થઈ રહ્યું છે તેમ-તેમ એ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે. મરીન લાઇન્સથી હાજી અલી સુધી બીજા તબક્કામાં રસ્તો ખોલ્યા બાદ હવે હાજી અલીથી વરલી સી-ફેસના ખાન અબ્દુલ ગફાર ખાન રોડ સુધીનો રસ્તો તૈયાર થઈ ગયો છે એટલે એ શરૂ થઈ જશે. આથી મુંબઈકરોને ટ્રાફિક-જૅમમાં રાહત મળશે. કોસ્ટલ રોડનું ૯૧ ટકા કામ પૂરું થઈ ગયું છે એટલે આ માર્ગને બાંદરા-વરલી સી-લિન્ક સાથે જોડવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ત્રણેક અઠવાડિયાંમાં આ કામ પૂરું થવાની શક્યતા છે એટલે એ પછી નરીમાન પૉઇન્ટથી બાંદરા ઝડપથી પહોંચી શકાશે.’

