નવી મુંબઈ મહાનગરપાલિકાએ જે સોસાયટીઓ એમના નિર્ધારિત ક્વોટા કરતાં વધુ પાણી વાપરી રહી છે એમને નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે

પ્રતીકાત્મક તસવીર
ચોમાસું લંબાય જાય તો પણ દરેક નાગરિકને પાણી મળી રહે એનું પ્લાનિંગ કરવાના આશય સાથે નવી મુંબઈ મહાનગરપાલિકાએ જે સોસાયટીઓ એમના નિર્ધારિત ક્વોટા કરતાં વધુ પાણી વાપરી રહી છે એમને નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે અને ચેતવણી આપતાં કહ્યું છે કે પાણી માપમાં વાપરો, નહીં તો પછી દંડ ભરવો પડશે.
મૂળમાં જે-તે સોસાયટીમાં જેટલા ફ્લૅટ છે એની સામે એ સોસાયટીને અંદાજે કેટલું પાણી મળવું જોઈએ એની એક ગણતરી હોય છે અને એના આધારે એનો વપરાશ નક્કી થયેલો હોય છે. એ ચોક્કસ ગણતરી કરતાં પાણીનો વધુ વપરાશ થાય તો એ સોસાયટીને નોટિસ મોકલવામાં આવે છે. આ વખતે એનએમએમસીએ ૩૩૬ જેટલી સોસાયટીઓને નોટિસ મોકલી છે. સૌથી વધારે પાણીનો વપરાશ દિઘામાં થઈ રહ્યો હોવાનું જણાઈ આવ્યું છે, જેમાં ૮૦ જેટલી સોસાયટીનો સમાવેશ થાય છે.