આવું માનવું છે દહિસરના ઝવેરીની હત્યા અને લૂંટના કેસમાં પકડાયેલા ચિરાગ રાવલના પપ્પાનું. તેમનું કહેવું છે કે આ કેસના બીજા આરોપી અંકિત મહાડિકે જ મારા દીકરાને ફસાવ્યો છે
લૂંટ અને મર્ડરકેસના પકડાયેલા આરોપી સાથે પોલીસની ટીમ.
દહિસર (ઈસ્ટ)ના રાવલપાડાના ગાવડેનગરમાં ઓમ સાંઈ જ્વેલર્સના માલિક શૈલેન્દ્ર પાંડેયની હત્યા અને લૂંટના કેસમાં પકડાયેલા ચિરાગ રાવલના પરિવારનું કહેવું છે કે તેને આ કેસમાં ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે. પરિવારનું કહેવું છે કે ‘આ ઘટના સવારના ૧૦.૩૦ વાગ્યે બની અને જો તે એમાં સંડાવાયો હોય તો બપોરના ૩.૩૦ વાગ્યા સુધી ઘરમાં જ કેમ બેઠો હોત? ભાગી ન ગયો હોત? બપોરે ૩.૩૦ વાગ્યે તે ઘરે હતો ત્યારે દહિસર પોલીસ આવીને તેને લઈ ગઈ હતી એટલું જ નહીં, ચિરાગ સેકન્ડહૅન્ડ કારની લે-વેચનું કામ કરતો હતો અને તેણે લીધેલી હૉન્ડા સિટી કારની ઓરિજિનલ ચાવી પણ પોલીસ તેની સાથે જ ઘરેથી લઈ ગઈ હતી. વળી ચિરાગ નથી જ્વેલરને ત્યાં ગયો કારણ કે સીસીટીવીમાં તે છે જ નહીં કે નથી તેણે લૂંટમાં કોઈ ભાગ ભજવ્યો. માત્ર તેણે કાર ખરીદી હોવાથી ખોટી રીતે ફસાવી દેવાયો છે.’
પ્લાસ્ટિકની સ્વિચનું જૉબ વર્ક કરતા ઇન્દર રાવલે દીકરા ચિરાગ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને લાગે છે કે તેને આ કેસમાં ખોટી રીતે ફસાવી દેવાયો છે, કારણ કે ઘટનાના આગલા દિવસે તે આખો દિવસ મારી સાથે જ વસઈમાં ફૅક્ટરી પર હતો. જો તે આ બધામાં સંડોવાયેલો હોત તો તે મારી સાથે ફૅક્ટરી પર શું કામ આખો દિવસ રહે?’
જ્યારે ચિરાગની મમ્મીએ કહ્યું હતું કે ‘ચિરાગ બીકૉમના બીજા વર્ષમાં ભણે છે, પણ સાથે-સાથે પિતાના કામમાં પણ સાથ આપે છે અને તેને કાર લે-વેચમાં ઇન્ટરેસ્ટ હોવાથી એ કામ પણ છેલ્લાં ત્રણ વર્ષથી કરે છે. તે ઓએલએક્સ પરથી કાર લેતો અને પછી સારી પાર્ટી મળે એટલે એને વેચી દેતો. તેને થોડોઘણો માર્જિન મળી રહેતો. અમે જ તેને કાર ખરીદવા પૈસા આપતા હતા. આ હૉન્ડા સિટી કાર પણ તેણે એ જ રીતે લીધી હતી. અંકિત મહાડિક સાથેની દોસ્તીને કારણે તે આમાં ફસાયો હોઈ શકે. તે ગયો હતો એ વખતે જ તેણે ડુપ્લિકેટ ચાવી બનાવી લીધી હોવી જોઈએ, કારણ કે ગાડીની ઓરિજિનલ ચાવી તો ઘરમાં જ હતી.’
દહિસર પોલીસ માસ્ટર માઇન્ડને એમપીથી પકડી લાવી
દહિસર પોલીસ હત્યા અને લૂંટના આ કેસના મુખ્ય આરોપી બન્ટી પાટીદાર અને તેના સાગરીત પ્રમોદ અત્રીયને ઇન્દોરથી ૩૦ કિલોમીટર દૂરના ગામ પિતમપુરથી ઝડપી મુંબઈ લઈ આવી છે. દહિસર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણ પાટીલે કહ્યું હતું કે ‘બન્ટી તેની ગૅન્ગના અન્ય સભ્યો સાથે કૉન્ટૅક્ટમાં હતો એથી અમને તેના વિશે માહિતી મળી હતી અને એના આધારે મધ્ય પ્રદેશ જઈ તેને પકડી લેવાયો હતો. બન્ટીએ ટિપરને થોડા દાગીના આપ્યા હતા. અમે અંકિતના ઘરેથી તેણે છુપાવી રાખેલા દાગીના જપ્ત કર્યા છે. એ જ પ્રમાણે હત્યા કરી લૂંટ ચલાવીને નાસેલા આરોપીઓ પાસેથી પણ લૂંટનો માલ રિકવર કરાયો છે.’
આ (લૂંટની) ઘટના સવારને ૧૦.૩૦ વાગ્યે બની અને જો તે એમાં સંડાવાયો હોય તો બપોરે ૩.૩૦ વાગ્યા સુધી ઘરમાં જ કેમ બેઠો હોત? ભાગી ન ગયો હોત? - ચિરાગ રાવલનો પરિવાર

