નિર્ધારિત ચાર્જ કરતાં વધુ ચાર્જ વસૂલાય તો ૧૩૯ પર ફરિયાદ કરવા અપીલ
પ્રતીકાત્મક તસવીર
રેલવે-સ્ટેશનો પર મુસાફરો પાસેથી વસૂલવામાં આવતા ઓવરચાર્જિસને અટકાવવા માટે સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝન દ્વારા એક મહત્ત્વનું પગલું ભરવામાં આવ્યું છે. રેલવે-પ્રશાસને કૂલી, પાર્કિંગ, ઍર કન્ડિશન્ડ (AC) વેઇટિંગ હૉલ અને પાણીની બૉટલોના રેટ કાર્ડ જાહેર કર્યા છે. આ સાથે જ રેલવેએ મુસાફરોને માત્ર સત્તાવાર દરો મુજબ જ ચુકવણી કરવા અને હંમેશાં પાકી રસીદ મેળવવાનો આગ્રહ કર્યો છે.
મુંબઈ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મૅનેજરે સોશ્યલ મીડિયા પર આ રેટ કાર્ડ જાહેર કરતાં જણાવ્યું છે કે જો કોઈ સેવા માટે નિર્ધારિત દર કરતાં વધુ પૈસા માગવામાં આવે તો મુસાફરો રસીદના ફોટો સાથે રેલ મદદ ઍપ/વેબસાઇટ પર અથવા રેલવે હેલ્પલાઇન નંબર ૧૩૯ પર તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકે છે.
ADVERTISEMENT
રેલવે દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર દર
પાર્કિંગ ચાર્જ (બે કલાક માટે)
સાઇકલ : પાંચ રૂપિયા (માસિક પાસ : ૩૦૦ રૂપિયા)
ટૂ-વ્હીલર : ૧૦ રૂપિયા (માસિક પાસ : ૪૫૦ રૂપિયા)
કાર/ટૅક્સી : ૨૦ રૂપિયા (માસિક પાસ : ૭૫૦ રૂપિયા)
કૂલી સર્વિસના રેટ (પ્રતિ ફેરો)
૪૦ કિલો સુધીનો સામાન (માથા પર ઊંચકવા માટે) : ૧૦૦ રૂપિયા
ટૂ-વ્હીલર અથવા ફોર-વ્હીલર ટ્રૉલી (૧૬૦ કિલો સુધીના સામાન માટે) : ૧૫૦ રૂપિયા
વ્હીલચૅર અથવા સ્ટ્રેચર (બે કૂલી દ્વારા): ૧૫૦ રૂપિયા
વ્હીલચૅર અથવા સ્ટ્રેચર (ચાર કૂલી દ્વારા) : ૨૦૦ રૂપિયા
વેઇટિંગ હૉલના ચાર્જ
મુંબઈ ડિવિઝનનાં મુખ્ય સ્ટેશનો પર આવેલા ઍર કન્ડિશન્ડ વેઇટિંગ હૉલનો ઉપયોગ કરવા માટે મુસાફરોએ પ્રતિ કલાક, પ્રતિ વ્યક્તિ માત્ર ૧૦ રૂપિયા ચૂકવવાના રહેશે.
પાણીની કિંમત પ્રતિ લીટર ૧૪ રૂપિયા
મુસાફરોની સુવિધા માટે રેલવેએ રેલ નીર સિવાય ૧૫ માન્યતા પ્રાપ્ત પીવાના પાણીની બ્રૅન્ડ્સની યાદી જાહેર કરી છે જે તમામની કિંમત ૧૪ રૂપિયા પ્રતિ લીટર નક્કી કરવામાં આવી છે.
