લિલામ દ્વારા જે રકમ મળે એ આ વૅલ્યુએશન અને લિલામની પ્રોસેસ કરવાનો ખર્ચ કાઢીને બાકી બચતી રકમ ક્રેડિટર્સને આપવામાં આવે
મેહુલ ચોકસી
પંજાબ નૅશનલ બૅન્કના કરોડો રૂપિયાની આર્થિક છેતરપિંડીના મેહુલ ચોકસીને સંડોવતા ગીતાંજલિ જેમ્સના કેસમાં હવે પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ કોર્ટે ગીતાંજલિ જેમ્સ ગ્રુપના લિક્વિડેટરને અંદાજે ૪૬ કરોડ રૂપિયાની ૧૩ અનસિક્યૉર્ડ મિલકતોનું વૅલ્યુએશન કરાવીને એનું લિલામ કરવાની મંજૂરી આપી છે. જેનું વૅલ્યુએશન ૨૦૧૮માં કરવામાં આવ્યું હતું એ ૪૬ કરોડ રૂપિયાની પ્રૉપર્ટીમાં બોરીવલીના ૪ ફ્લૅટ છે જેની દરેકની કિંમત ૨.૬ કરોડ રૂપિયા છે, બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી ૧૯.૭ કરોડ રૂપિયાની કમર્શિયલ ઑફિસ છે તથા ગોરેગામ-ઈસ્ટના ૧૮.૭ કરોડ રૂપિયાના ઇન્ડસ્ટ્રિયલ ગાળાઓનો પણ સમાવેશ થાય છે. જસ્ટિસ એ. વી. ગુજરાથીએ આ બાબતે કહ્યું હતું કે ‘જો પ્રૉપર્ટીનો વપરાશ ન થાય અને એમ ને એમ પડી રહે તો એની કિંમત ઘટી જાય છે એટલે આ ઑર્ડર વહેલી તકે પાસ કરવો જરૂરી હતો. લિક્વિડેટર એ પ્રૉપર્ટીનું વૅલ્યુએશન કરીને કાયદા મુજબ એનું લિલામ કરી શકશે. વળી આ માટે તે ICICI બૅન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટનું ખાતું ખોલાવી એમાં એ રકમ જમા કરાવે.’
ICICI બૅન્કની લીડરશિપ હેઠળના સમૂહ અને NWL સમૂહ પંજાબ નૅશનલ બૅન્કના ક્રેડિટર્સ હતા જેમણે પંજાબ નૅશનલ બૅન્કના ૨૩,૦૦૦ કરોડ રૂપિયાના સ્કૅમમાં પૈસા ખોયા હતા. કોર્ટે નિર્દેશ આપતાં કહ્યું છે કે લિલામ દ્વારા જે રકમ મળે એ આ વૅલ્યુએશન અને લિલામની પ્રોસેસ કરવાનો ખર્ચ કાઢીને બાકી બચતી રકમ ક્રેડિટર્સને આપવામાં આવે.


