૫૮ વર્ષના અજય ઠક્કરના આ કારનામાને કારણે તેના પુત્રો પણ તેનાથી અલગ રહેવા ચાલ્યા ગયા હતા
૫૮ વર્ષના અજય ઠક્કર
મુંબઈ ઃ કાંદિવલીમાં રહેતો ૫૮ વર્ષનો આરોપી ગરીબ મહિલાઓને પૈસાની લાલચ આપીને તેમની પાસે દેહવ્યવસાય કરાવતો હોવાની બાતમી એમએચબી પોલીસ સ્ટેશનને મળી હતી. એના આધારે કેટલોક વખત વૉચ રાખ્યા બાદ આરોપી પાસે એક બોગસ ગ્રાહક પોલીસે મોકલ્યો હતો અને એ પછી ઘટનાસ્થળે રેઇડ પાડવામાં આવી હતી. એમએચબી પોલીસે પીટા ઍક્ટ હેઠળ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
એમએચબી પોલીસ સ્ટેશનના અધિકારીઓને બાતમી મળી હતી કે કાંદિવલીના શંકર લેન વિસ્તારમાંની એક સોસાયટીમાં રહેતો ૫૮ વર્ષનો અજય અમૃતલાલ ઠક્કર બીજા રાજ્યમાંથી આવતી અને સ્ટ્રગલિંગ કરતી ગરીબ મહિલાઓને પૈસાની લાલચ આપીને તેમની પાસે દેહવ્યવસાય કરાવતો હતો. આરોપી મહિલાઓને પોતાના ઘરે બોલાવી બેડરૂમમાં લઈ જઈ ગ્રાહકો શોધી તેની પાસેથી પૈસા લેતો હતો. પોલીસે આરોપી પર કેટલાક દિવસ વૉચ રાખી હતી. ત્યાર બાદ એક બોગસ ગ્રાહક તૈયાર કરીને આરોપીની ધરપકડ કરી હતી. આરોપી છેલ્લાં ત્રણ વર્ષથી આ ધંધો કરી રહ્યો હોવાની માહિતી પોલીસ સામે આવી છે. આરોપીના ગ્રાહકો બોરીવલી, કાંદિવલી અને દહિસરના મોટા ભાગના ગુજરાતીઓ હોવાની માહિતી પોલીસે આપી છે.
એમએચબી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર દીપક હિંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી ગરીબ અને બીજા રાજ્યમાંથી મુંબઈ આવેલી તથા સ્ટ્રગલિંગ કરતી મહિલાઓને પૈસાની લાલચ આપીને તેમની પાસે દેહવ્યવસાય કરાવતો હતો. આ જ કારણસર તેના પુત્રો તેનાથી અલગ રહેવા ગયા હોવાની પ્રાથમિક માહિતી અમને મળી છે. આ કેસમાં પીટા ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પીડિત મહિલાનું સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યું છે.’


