Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વેપારીઓનો અમૃત મહોત્સવ છે આઝાદીને ચાર ચાંદ લગાવનારો

વેપારીઓનો અમૃત મહોત્સવ છે આઝાદીને ચાર ચાંદ લગાવનારો

12 August, 2022 10:07 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

મુંબઈનાં બધાં જ વેપારી સંગઠનોએ એમાં જોડાઈને પોતપોતાની રીતે શું આયોજન કર્યું છે એની અને પોતાના દેશપ્રેમની જે વાતો ‘મિડ-ડે’ના સિનિયર રિપોર્ટર રોહિત પરીખ સાથે શૅર કરી છે

બોરીવલીમાં ચીકુવાડીના નામે જાણીતા મેટ્રોના પહાડી એક્સર સ્ટેશનની નીચે રસ્તા પર લાઇટિંગ કરીને તૈયાર કરવામાં આવેલા તિરંગાની શાન વરસાદનાં પાણીના રિફ્લેક્શનને લીધે અનેકગણી વધી જાય છે. (તસવીર : નિમેશ દવે)

Har Ghar Tiranga

બોરીવલીમાં ચીકુવાડીના નામે જાણીતા મેટ્રોના પહાડી એક્સર સ્ટેશનની નીચે રસ્તા પર લાઇટિંગ કરીને તૈયાર કરવામાં આવેલા તિરંગાની શાન વરસાદનાં પાણીના રિફ્લેક્શનને લીધે અનેકગણી વધી જાય છે. (તસવીર : નિમેશ દવે)


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ૧૩થી ૧૫ ઑગસ્ટ સુધી દરેક ઘર અને ઑફિસ પર તિરંગો ફરકાવવાની હાકલ કરી છે ત્યારે મુંબઈનાં બધાં જ વેપારી સંગઠનોએ એમાં જોડાઈને પોતપોતાની રીતે શું આયોજન કર્યું છે એની અને પોતાના દેશપ્રેમની જે વાતો ‘મિડ-ડે’ના સિનિયર રિપોર્ટર રોહિત પરીખ સાથે શૅર કરી છે એ વાંચીને તમારા દિલમાં પણ દેશપ્રેમની લહેરો જરૂર ઉછાળા મારશે

આઝાદી કા અમૃત મહોત્સવ પ્રગતિશીલ ભારતની આઝાદીનાં ૭૫ વર્ષ અને એના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓની ભવ્ય ઇતિહાસની ઉજવણી માટે ભારત સરકારની પહેલ છે. આ મહોત્સવને અનેરો અને અનોખો બનાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના લોકોને હર ઘર તિરંગા ફરકાવીને ઉજવણી કરવાની હાકલ કરી છે. એમાં મુંબઈનાં બધાં જ વેપારી સંગઠનોએ જોડાવાનો નિર્ણય લીધો છે. રીટેલ દુકાનદારોએ તો તિરંગો દુકાન પર ફરકાવવાની સાથે તેમના ગ્રાહકોને આકર્ષવા દુકાનોને સજાવવાની હરીફાઈ પણ યોજી છે. આ દુકાનદારોએ તેમના ગ્રાહકોને ડિસ્કાઉન્ટ ઑફર કરવાની પણ આ પ્રસંગે તૈયારી કરી લીધી છે.



જી-સાઉથ વેપારી અસોસિએશન
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી જી-સાઉથ વેપારી અસોસિએશને ઉત્સાહપૂર્વક કરવાનું નક્કી કર્યું છે એમ જણાવીને અસોસિએશનના અધ્યક્ષ નીલેશ સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારું અસોસિએશન લોઅર પરેલ વેસ્ટ અને ઈસ્ટના ડિલાઇલ રોડ, વરલી, પ્રભાદેવીની આસપાસના વિવિધ એરિયાના એક હજારથી વધુ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. અમૃત મહોત્સવની ઉજવણીનો વેપારીઓમાં અદ્ભુત ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આ ઉત્સાહને પીઠબળ આપવા માટે અસોસિએશન તરફથી દુકાનદારોને ૧૩ ઑગસ્ટથી ૧૫ ઑગસ્ટ સુધી વિવિધ રીતે તેમની દુકાનોની સજાવટ કરીને ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવાનું આહવાન કરવામાં આવ્યું છે. અમારી સાથે લોઅર પરેલ જૈન સંઘ પણ જોડાશે. અમે પ્રત્યેક સભ્યને ભારતનો તિરંગો આપીશું. અમારી દુકાનોને ઝાલરથી સજાવવામાં આવશે. અમારી આસપાસનાં મકાનોમાં પણ અમારા તરફથી તિરંગો નિઃશુલ્ક આપીને તેમને પણ હર ઘર તિરંગાની ઉજવણીમાં અમારી સાથે સહભાગી કરીશું. અમે આ પ્રસંગે પ્રથમ વાર સ્વતંત્રતાસેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું.’


બેરિંગબજાર
નાગદેવી સ્ટ્રીટમાં આવેલા ધી ઑલ ઇન્ડિયા બૉલબેરિંગ મર્ચન્ટ્સ અસોસિએશનના પ્રેસિડન્ટ તુષાર ટી. શાહે કહ્યું હતું કે ‘અમે ૧૭ ઑગસ્ટે અમારા અસોસિએશનની અબ્દુલ રહેમાન સ્ટ્રીટમાં આવેલી ઑફિસમાં ભવ્ય સજાવટની વચ્ચે અમૃત મહોત્સવની ઉજવણી કરીશું. આ સમારોહ માટે અમે પહેલી ઑગસ્ટથી જ સભ્યોને આઝાદી કા અમૃત મહોત્સવનાં સ્ટિકરોનું તેમની દુકાનો, ગોડાઉનો અને ઑફિસો પર લગાડવા માટે વિતરણ કરવાની શરૂઆત કરી દીધી છે. આ સ્ટિકરો નાગદેવી વિસ્તારમાં આવેલી તમામ ઑફિસો પર પ્રદર્શિત કરવામાં આવશે. આ સ્ટિકરો અમે કલકત્તા, દિલ્હી અને ચેન્નઈ જેવાં શહેરોમાં પણ પ્રદર્શિત કરવા મોકલી દીધાં છે. અમારા ૧૭ ઑગસ્ટના સમારોહમાં અમારી માતૃભૂમિના આઝાદીના મહોત્સવની કેક કાપવામાં આવશે. અમારા વેપારીઓમાં અનેક ગાયકો પણ છે જેઓ આ પ્રસંગે સંગીતના તાલ સાથે દેશભક્તિનાં ગીતો રજૂ કરશે. આની સાથે આ વર્ષે દસમા અને બારમા ધોરણમાં અમારા સભ્યોનાં પુત્રો-પુત્રીઓ જેઓ ૮૫ ટકાથી વધુ માર્ક્સ લાવ્યાં હશે તેમનું સન્માન કરવામાં આવશે. ઉત્સવ અને સમારોહની ઉજવણી અમે અલ્પાહાર અને મીઠાઈથી કરીશું.’

માટુંગા (સેન્ટ્રલ)ની અમૂલખ અમીચંદ સ્કૂલને પણ તિરંગાના રંગે રંગવામાં આવી છે


ફેડરેશન ઑફ મુંબઈ ક્લોથ ડીલર્સ અસોસિએશન
અમારું અસોસિએશન અને અમારા સભ્યો પણ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવા અધીરાં બન્યાં છે એમ જણાવીને અસોસિએશનના સેક્રેટરી હરેન મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અમારા દેશની આન, બાન અને શાનને રંગારંગ બનાવવા માટે હર ઘર તિરંગા અને હર શૉપ તિરંગા અભિયાન અંતર્ગત પ્રતિયોગિતાનું આયોજન કર્યું છે. આ પ્રતિયોગિતામાં મુંબઈના દુકાનદારોએ તેમના દુકાનની સજાવટનો વિડિયો અથવા તો એની તસવીર ફેડરેશનને મોકલવાની રહેશે. જેની દુકાનની સજાવટ આકર્ષિત હશે તેને ફેડરેશન તરફથી ઇનામ આપવામાં આવશે. આ પાછળનો અમારો ઉદ્દેશ પ્રત્યેક ભારતીયને તેના ઘર અને તેની દુકાન પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રેરિત કરવાનો અને નાગરિકોના દિલમાં દેશભક્તિની ભાવના પેદા કરવાનો છે. આનાથી રાષ્ટ્રધ્વજ બાબતે જાગરૂકતામાં પણ વૃદ્ધિ થશે.’

નટ-બોલ્ટબજાર
આઝાદીનાં ૭૫ વર્ષ પછી આટલા મોટા પાયે સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલી વાર થઈ રહી છે એમ જણાવતાં ધ બૉમ્બે બોલ્ટ્સ નટ્સ મર્ચન્ટ્સ અસોસિએશનના સેક્રેટરી ચિરાગ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા અસોસિએશનના પ્રમુખ શશિકાંત શાહના માર્ગદર્શન હેઠળ અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને ૧૩થી ૧૫ ઑગસ્ટ સુધી હર ઘર હર દુકાન પર તિરંગા લહેરાવવાની જે પરવાનગી આપી છે એના પર અમલ કરીશું. અમારા અસોસિએશનના સભ્યોએ ૧૩ ઑગસ્ટે અમારી દુકાનો પર ધ્વજ ફરકાવીને અને તમામ સભ્યોએ સફેદ શર્ટ પહેરીને આ પરંપરાગત સમારોહની ઉજવણી કરવાનું રોમાંચક રીતે આયોજન કર્યું છે, કારણ કે સફેદ રંગ શુદ્ધતા અને એકતાનું પ્રતીક માનવામાં આવે છે.’

મસ્જિદ બંદર
અમે મસ્જિદ બંદરના મસાલા અને ડ્રાયફ્રૂટ્સના વેપારીઓ અમારી તમામ દુકાનો પર તિરંગો ફરકાવીશું એમ જણાવીને મુંબઈ મેવા મસાલા મર્ચન્ટ્સ અસોસિએશનના પ્રવક્તા યોગેશ ગણાત્રાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હર દુકાન પર તિરંગાની સાથે અમે ૧૫ ઑગસ્ટે માર્કેટમાં ધ્વજવંદનનો કાર્યક્રમ પણ યોજ્યો છે. ટૂંક સમયમાં અમે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે સરપ્રાઇઝ કાર્યક્રમ યોજવાનું વિચારી રહ્યા છીએ.’

મૂળજી જેઠા માર્કેટમાં તમામ દુકાનદારોએ ઝંડા લહેરાવ્યા છે

લોખંડ બજાર
લોખંડ બજારના વેપારીઓએ શનિવારે જ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે પાયધુની પોલીસ સ્ટેશન સાથે એક રૅલીનું આયોજન કરીને એની ઉજવણી કરી હતી એમ જણાવીને બૉમ્બે આયર્ન મર્ચન્ટ્સ અસોસિએશનના સેક્રેટરી કુમાર દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બૉમ્બે આયર્ન બ્રોકર્સ અસોસિએશનના સભ્યો સાથે મસ્જિદ બંદરના કર્ણાક બંદરની આસપાસના વિસ્તારોમાં હર ઘર તિરંગાનો પ્રચાર કરવા માટે એક રૅલીનું આયોજન કરીને મહોત્સવની ઉજવણી કરી હતી.’

ઇલેક્ટ્રૉનિક બજાર
હર ઘર તિરંગા - ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશનની હર દુકાન ઔર ઑફિસ પર તિરંગા. આ જાણકારી આપતાં અસોસિએશનના પ્રેસિડન્ટ મિતેષ મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીના આહવાનને સફળ બનાવવા માટે અને અમારી દેશભક્તિની દાઝના પ્રતીકરૂપે મુંબઈની જ નહીં દેશભરની ઇલેક્ટ્રૉનિકસ બજારની બધી જ દુકાનો અને ઑફિસો પર ત્રણ દિવસ સુધી તિરંગાનાં સ્ટિકરો પ્રદર્શિત કરવામાં આવશે. અમે અસોસિએશન તરફથી અમારા સભ્યોને એ૩ સાઇઝનાં સ્ટિકરોનું નિઃશુલ્ક વિતરણ કર્યું છે. આ સ્ટિકરોને અમારા દુકાનદારો અને વેપારીઓ તેમની દુકાનના મુખ્ય પ્રવેશદ્વાર પર કે શોકેસ પર પ્રદર્શિત કરશે જેથી સૌની એના પર નજર પડે અને સૌમાં દેશભક્તિ અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના પેદા થાય.’

કાપડ બજારો
કાલબાદેવી, ઝવેરી બજાર અને ક્રૉફર્ડ માર્કેટ પર આવેલી કપડાંની હોલસેલ અને સેમી-હોલસેલ માર્કેટો મંગલદાસ માર્કેટ, મૂળજી જેઠા માર્કેટ, સ્વદેશી બજાર, હનુમાન ગલીના કપડાંના બધા જ વેપારીઓએ ગઈ કાલથી જ તેમની દુકાનો પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી શરૂ કરી દીધી છે.

ખાદ્ય તેલ અસોસિએશન
અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘ આજે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરશે. આ માહિતી આપતાં આ મહાસંઘના અધ્યક્ષ શંકર ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ પ્રસંગે અન્ન સુરક્ષા સપ્તાહ અંતર્ગત વર્કશૉપનું આયોજન પણ કર્યું છે. અમે આ ઉત્સવની ગઈ કાલે મુલુંડમાં આવેલા ગોપુરમ હૉલમાં ઉજવણી કરી હતી. આ ઉજવણી પ્રસંગે અમે અમારા સભ્યોને મહાસંઘ તરફથી રાષ્ટ્રધ્વજ આપ્યા હતા.’

ઇલેક્ટ્રિક બજાર
મુંબઈની સૌથી મોટી લુહાર ચાલના નામે જાણીતી ઇલેક્ટ્રિક બજારમાં અમૃત મહોત્સવની ઍન્કર પૅનૅસોનિક અને સારથિ ફાઉન્ડેશનના સહયોગથી યાદગાર ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતની માહિતી આપતાં ધ ઇલેક્ટ્રિક મર્ચન્ટ્સ અસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ જતીન મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આખી લુહાર ચાલમાં એલઈડી લૅમ્પ્સની રોશનીથી ઝળહળાટ કરીશું. અમારા વિસ્તારમાં ૧૦૦૦થી વધુ દુકાનો અને ઘરો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. સૌથી વિશેષરૂપે અમે વેપારીઓ ૧૩ ઑગસ્ટે સાંજે એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનની સાથે પરેડ યોજવાના છીએ. એમાં ઍન્કર પૅનૅસોનિક અને સારથિ ફાઉન્ડેશનના ફાઉન્ડર સભ્યો જોડાશે.’

એપીએમસી માર્કેટ
નવી મુંબઈના વાશીની એપીએમસી માર્કેટમાં આવેલાં મુંબઈ ડ્રાયફ્રૂટ્સ ઍન્ડ ડેટ્સ અસોસિએશન, નવી મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બર, બૉમ્બે શુગર મર્ચન્ટ્સ અસોસિએશન, બૉમ્બે મૂડીબજાર કરિયાણાં મર્ચન્ટ્સ અસોસિએશન, બૉમ્બે ગોળ મર્ચન્ટ્સ અસોસિએશન, બૉમ્બે કલર કરિયાણાં મર્ચન્ટ્સ અસોસિએશન, બૉમ્બે કોકોનટ મર્ચન્ટ્સ અસોસિએશન, બૉમ્બે ટી ટ્રેડર્સ અસોસિએશન, કૉમોડિટીઝ બ્રોકર્સ અસોસિએશન, માંડવી મેવા મસાલા ટ્રેડર્સ અસોસિએશન અને યુવા સંઘ ટ્રસ્ટ દ્વારા મસાલા માર્કેટમાં આવેલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પરિસરમાં રાજકીય નેતા ગણેશ નાઈક અને મસાલા બજારના ડિરેક્ટર વિજય ભુતાના હસ્તે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરીને અમૃત મહોત્સવની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી છે. આ માર્કેટના બધા જ વેપારીઓએ તેમની દુકાનો પર ગઈ કાલથી રાષ્ટ્રધ્વજ ફરકાવવાની શરૂઆત કરી દીધી હતી. આ માહિતી આપતાં બૉમ્બે મૂડીબજાર કરિયાણા મર્ચન્ટ્સ અસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અમરીશ બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે અમારા તરફથી ૧૨૦૦ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે પણ આ વિતરણ કરવામાં આવશે. એનાથી હર ઘર તિરંગા, હર દુકાન પે તિરંગાના નારાને સાર્થક કરીશું.’

એપીએમસી ગ્રોમા
ગ્રેન રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન તરફથી હર ઘર તિરંગાની ઉજવણી દ્વારા શહીદો, ક્રાન્તિકારીઓ અને સ્વતંત્રતાના હીરોને યાદ કરીને આજે વેપારીઓમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવશે એમ જણાવીને ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સંસ્થા તરફથી અનાજ બજારમાં વેપારીઓને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રધ્વજ તેઓ ૧૩ ઑગસ્ટથી ૧૫ ઑગસ્ટ સુધી તેમની દુકાનો પર ફરકાવશે. આ મહોત્સવ પ્રસંગે અમારી સંસ્થા દ્વારા અમારા વેપારીઓના ગુમાસ્તાઓ, મહિલા પાલાવાળી કામદાર, સફાઈ કર્મચારીઓ અને સુરક્ષા-રક્ષકોને નવી મુંબઈના વિધાનસભ્ય મંદાતાઈ મ્હાત્રેની ઉપસ્થિતિમાં ભેટ આપવામાં આવી હતી.’

ન્યુ હિન્દમાતા ક્લોથ માર્કેટ
દાદરની પ્રખ્યાત ન્યુ હિન્દમાતા ક્લોથ માર્કેટ અને શાંતિદૂત ક્લોથ માર્કેટના ૧૦૦થી વધુ દુકાનદારોએ આઝાદીના અમૃત મહોત્સવની શાનદાર ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. આ જાણકારી આપતાં આ માર્કેટના અગ્રણી વેપારી દિનેશ ત્રિવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અમારી બન્ને માર્કેટમાં રાષ્ટ્રધ્વજની સાથોસાથ આઝાદી કા અમૃત મહોત્સવનાં ૪૦થી વધુ બૅનરો લગાવ્યાં છે. માર્કેટના પરિસરની દીવાલોને વિવિધ ચિત્રો દોરીને સજાવી દીધી છે. અમારી માર્કેટને ૧૫ ઑગસ્ટે ધ્વજવંદન કરીને પછી ખોલવામાં આવશે. માર્કેટના બધા જ વેપારીઓએ આ પ્રસંગે ગ્રાહકોને ૧૦ ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. બધા જ દુકાનદારોએ આઝાદીના અમૃત મહોત્સવની એકસરખી ડિલિવરી બૅગ બનાવી છે. આ મહોત્સવ દરમિયાન અમારી માર્કેટ તરફથી સરકારી અને અર્ધસરકારી કચેરીઓના અધિકારીઓનું બહુમાન કરવામાં આવશે. તેમની સાથે સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પણ સન્માનિત કરવામાં આવશે.’ 

Whatsapp-channel Whatsapp-channel

12 August, 2022 10:07 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK