કાંદિવલી પોલીસ સ્ટેશનના કેસમાં નોંધાવી ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર
ડી. એન. નગરના એક પ્રોજેક્ટમાં ફ્લૅટ બુક કરાવનાર બેલુર શેટ્ટીએ તેની સાથે થયેલી કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કરતાં ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગે કાંદિવલીના જાણીતા બિલ્ડર જયેશ તન્નાની ધરપકડ કરી હતી. હવે કાંદિવલી પોલીસે તેમના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના કેસમાં તેનો તાબો લઈને એ કેસમાં વૉન્ટેડ જયેશ તન્નાની ગઈ કાલે ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં હવે રિમાન્ડ માટે હાજર કરવામાં આવશે.
કાંદિવલી પોલીસ સ્ટેશનના કેસમાં ફરિયાદી લક્ષ્મી મધુકર આઠવલેએ તેમની ફરિયાદમાં કહ્યું છે કે ગોરેગામના સિદ્ધાર્થનગરમાં આવેલી કપિલવસ્તુ સોસાયટીના બિલ્ડર જયેશ તન્નાના અખત્યારમાં રહેલો ફ્લૅટ ખરીદવા તેમણે તેમના પુત્રના હસ્તક કુલ મળીને ૧.૨૫ કરોડ રૂપિયા ટુકડે-ટુકડે ચૂકવ્યા હતા. જોકે જયેશ તન્નાએ તેમને એ ફ્લૅટનો કબજો ન આપતાં અન્યને વેચી માર્યો હતો અને એ બીજી વ્યક્તિના નામે એ ફ્લૅટનું રજિસ્ટ્રેશન પણ કરાવી દીધું હતું. એથી તેમની સાથે થયેલી છેતરપિંડીને લઈને લક્ષ્મી આઠવલેએ કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ચોથી મેએ એફઆઇઆર કર્યો હતો.
કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દિનકર જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે ઈઓડબ્લ્યુ પાસેથી જયેશ તન્નાનો તાબો લઈને તેની ધરપકડ કરી છે અને રિમાન્ડ માટે તેને કોર્ટમા રજૂ કરવામાં આવશે.