મહિલાઓ તેમનું જીવન સન્માનથી જીવી શકે અને તેમની ગોપનીયતાનું ઉલ્લંઘન ન થાય એ માટે તમામ સાર્વજનિક સ્થળોએ ચાઇલ્ડ કૅર રૂમ અને ફીડિંગ રૂમ હોવી અનિવાર્ય
બાંદરાની ફૅમિલી કોર્ટમાં ગઈ કાલે મહિલાઓ અને બાળકો માટે ફીડિંગ રૂમ અને ચાઇલ્ડ કૅર રૂમ જેવા ‘લોકેશન રૂમ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સાર્વજનિક સ્થળોએ ચાઇલ્ડ કૅર રૂમ અને ફીડિંગ રૂમ હોવા અનિવાર્ય છે. આ ઉદ્દેશ સાથે ગઈ કાલે મુંબઈના બાંદરાની ફૅમિલી કોર્ટમાં મહારાષ્ટ્રના પહેલા લોકેશન રૂમ/હીરકણી કક્ષનું લોકાર્પણ જસ્ટિસ ભારતી ડેંગરે દ્વારા કરવામાં આવ્યું હતું.
બાંદરા ફૅમિલી કોર્ટનાં ઍડ્વોકેટ પ્રીતિ ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી ફૅમિલી કોર્ટમાં મૅરિડ કાઉન્સિલ વધારે મહિલાઓ છે. થોડા સમય પહેલાં એક મૅરિડ કાઉન્સિલે ફૅમિલી કોર્ટનાં પ્રિન્સિપલ જજ સ્વાતિ ચૌહાણ પાસે જઈને ૧૫થી ૨૦ મિનિટ માટે તેના સંતાનને ફીડિંગ કરાવવા માટે પરવાનગી માગી હતી. સ્વાતિ ચૌહાણે ત્યારે એની સામે આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું કે તું તારા બાળકને કોર્ટમાં કેવી રીતે ફીડિંગ કરાવીશ? એટલે મૅરિડ કાઉન્સિલે કહ્યું કે મારા પતિ ઘરેથી મારા બાળકને લઈને આવશે અને હું મારા બાળકને મારી ચેમ્બરમાં લઈ જઈને ફીડિંગ કરાવીને ઘરે મોકલી આપીશ. દરેક મહિલાની ગોપનીયતા અને યોગ્ય સંવર્ધન કરવાનો અધિકાર એ તેમનો મૂળભૂત અધિકાર છે. ફક્ત કોર્ટમાં જ નહીં, કોઈ પણ જાહેર સ્થળોએ એ જળવાઈ રહે એ જરૂરી છે. મહિલાઓ અને બાળકો માટે ફીડિંગ રૂમ અને ચાઇલ્ડ કૅર રૂમ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવને કારણે તેમના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય છે. આ માટે ચાઇલ્ડ કૅર રૂમ આવશ્યક છે.’
ADVERTISEMENT
લોકેશન રૂમનાં માસ્ટર માઇન્ડ સ્વાતિ ચૌહાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્યાર પછી મેં થોડા જ સમયમાં માર્ક કર્યું કે કોર્ટમાં માતા તેના બાળકને સંકોચ રાખીને ફીડિંગ કરાવતી હતી. આ દૃશ્યથી હું હચમચી ગઈ. માતાઓ તેમનાં સંતાનોને સાચવી શકે અને કોઈ પણ જાતના સંકોચ વગર ફીડિંગ કરાવી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ. ’
કાંદિવલીનાં વિધિ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોર્ટમાં નાનાં બાળકો સાથે આવતી મહિલાઓ વિના સંકોચે તેમનાં બાળકોને લોકેશન રૂમમાં જઈને ફીડિંગ કરાવી શકશે. આ રૂમમાં માતાને બેસવા માટેની સુવિધા તો છે જ; પરંતુ એની સાથે બાળકોને આકર્ષિત કરે એવી રંગબેરંગી દીવાલો, પડદા, ટેડી બેઅર જેવાં રમકડાંઓ પણ રાખવામાં આવ્યાં છે.’