હિજાબબંધીને પડકારતી નવ વિદ્યાર્થિનીઓએ કરેલી અરજી ફગાવીને બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું...
પ્રતીકાત્મક તસવીર
ચેમ્બુરની એન. જી. આચાર્ય અને ડી. કે. મરાઠે કૉલેજમાં ક્લાસમાં હિજાબ, બુરખા, નકાબ, સ્ટોલ અને ટોપી પહેરીને આવવા પર મૂકવામાં આવેલા પ્રતિબંધને ૯ વિદ્યાર્થિનીઓએ બૉમ્બે હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. બૉમ્બે હાઈ કોર્ટે વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવેલી એ અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું હતું કે આ કૉલેજનો આંતિરક મામલો છે અને એ એમાં દરમ્યાનગીરી કરવા નથી માગતી.
પહેલી મેએ કૉલેજ દ્વારા એના વૉટ્સઍપ ગ્રુપ પર જણાવવામાં આવ્યું હતું કે ક્લાસરૂમમાં સ્ટુડન્ટ્સ, શિક્ષકો અને અન્ય બધા સ્ટાફ-મેમ્બર્સ માટે ડ્રેસકોડ રિસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યું છે. એમાં કહેવાયું હતું કે ક્લાસમાં બુરખો, નકાબ, હિજાબ, કૅપ પહેરવા પર બંધી મૂકવામાં આવી છે.
ADVERTISEMENT
અરજી કરનારી વિદ્યાર્થિનીઓનું કહેવું હતું કે બુરખો, નકાબ અને હિજાબ એ અમારી ધાર્મિક બાબતો છે એટલે રિસ્ટ્રિક્શન મૂકીને અમારા ફન્ડામેન્ટલ રાઇ્ટસનો ભંગ કરવામાં આવ્યો છે.
આ અરજીની સુનાવણી વખતે હાઈ કોર્ટના જસ્ટિસ એ. એસ. ચાંદુરકર અને જસ્ટિસ રાજેશ પાટીલની બેન્ચે પ્રશ્નો કર્યા હતા. તેમણે અરજીકર્તાઓને પૂછ્યું હતું કે હિજાબ પહેરવો એ ઇસ્લામનો જરૂરી ભાગ છે એમ કયા ધાર્મિક અધિકારી કહે છે? સાથે જ કૉલેજને પણ પૂછ્યું હતું કે તમને શું એના પર પ્રતિબંધ મૂકવાની સત્તા છે ખરી?
એથી અરજકર્તાઓના વકીલ અલ્તાફ ખાને એના સમર્થનમાં કુરાનની કેટલીક આયાતો કોર્ટમાં દર્શાવી હતી અને આમ કરવાથી વિદ્યાર્થીઓના રાઇટ ટુ ચૉઇસનો પણ ભંગ થાય છે એમ જણાવ્યું હતું.
સામા પક્ષે કૉલેજ તરફથી રજૂઆત કરતાં વકીલ અનિલ અંતુરકરે કહ્યું હતું કે ‘ડ્રેસકોડનો પ્રતિબંધ માત્ર મુસ્લિમધર્મીઓ માટે જ નથી. એ બધાને સરખો લાગુ પડશે. લોકો અહીં ભણવા આવે છે એટલે તેમણે ભણવા પર જ ધ્યાન આપવું જોઈએ. તેમણે પોતાના ધર્મને આ રીતે જાહેરમાં દર્શાવવાની જરૂર નથી.’

