જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ અને દત્તક લેવાના ભારતીય કાયદા મુજબ વિદેશી નાગરિકત્વ ધરાવતા બાળકને દત્તક લેવાનો અધિકાર ભારતીય નાગરિકને ત્યારે જ મળે
બૉમ્બે હાઈ કોર્ટની ફાઈલ તસવીર
અમેરિકન સિટિઝનશિપ ધરાવતા બાળકને દત્તક લેવા બાબતે બૉમ્બે હાઈ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોઈ પણ ભારતીય નાગરિકને અમેરિકન સિટિઝનશિપ ધરાવતા બાળકને દત્તક લેવાનો મૂળભૂત અધિકાર નથી. જો બાળકને કાળજી અને સુરક્ષાની જરૂર હોય અથવા કાયદાકીય વિખવાદ હોય એવા કેસ સિવાય સંબંધીઓ હોવા છતાં પણ આ અધિકાર મળતો નથી એમ જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને નીલા ગોખલેની ખંડપીઠે જણાવ્યું હતું.
જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ અને દત્તક લેવાના ભારતીય કાયદા મુજબ વિદેશી નાગરિકત્વ ધરાવતા બાળકને દત્તક લેવાનો અધિકાર ભારતીય નાગરિકને ત્યારે જ મળે છે જ્યારે બાળકને કાળજી અને સુરક્ષાની જરૂર હોય અથવા કાયદાકીય વિખવાદ હોય. આ બન્ને પરિસ્થિતિ સિવાય કોઈ સંબંધીને પણ વિદેશી નાગરિકત્વ ધરાવતા બાળકને દત્તક લેવાનો અધિકાર મળતો નથી.
ADVERTISEMENT
એક ભારતીય દંપતીએ તેમના અમેરિકન સંબંધીના બાળકને દત્તક લેવા માટે સેન્ટ્રલ અડૉપ્શન રિસોર્સ એજન્સી (CARA)માં રજિસ્ટ્રેશન કરવાની માગણી કરી હતી, પરંતુ CARAએ અમેરિકન સિટિઝનશિપ ધરાવતા બાળકને દત્તક લેવા માટે ભારતીય કાયદો પરવાનગી આપતો નથી એમ જણાવીને તેમનું રજિસ્ટ્રેશન કરવાની મનાઈ કરી હતી. તેથી દંપતીએ બૉમ્બે હાઈ કોર્ટમાં અપીલ કરી હતી.
૨૦૧૯માં અમેરિકામાં જન્મેલું બાળક થોડાક મહિનાનું થયું ત્યારથી અરજદાર દંપતી તેને ભારતમાં લઈ આવ્યું હતું. ત્યારથી તે બાળક આ દંપતી સાથે જ રહે છે. હવે દંપતી તેને દત્તક લેવા માગે છે. અદાલતે આ કેસમાં નોંધ્યું હતું કે બાળક અમેરિકન નાગરિક હોવાથી પહેલાં અમેરિકન કાયદા મુજબ બાળકને દત્તક લેવાની પ્રક્રિયા કરવી પડશે અને ત્યાર બાદ વિદેશી બાળકને ભારતમાં લાવવા માટેની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

