મેડિકલ બોર્ડે જણાવ્યું હતું કે સગીરાનું હીમોગ્લોબિન લેવલ વધે ત્યાર બાદ જ તેની પ્રેગ્નન્સી ટર્મિનેટ કરી શકાય
બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે મંગળવારે બળાત્કારને કારણે સગર્ભા બનેલી ૧૪ વર્ષની સગીરાને ૨૪ સપ્તાહ (૬ મહિના)નો ગર્ભ પડાવવાની મંજૂરી આપી હતી. ન્યાયાધીશ રેવતી મોહિતે ડેરે અને નીલા ગોખલેની ખંડપીઠે આ કેસની સુનાવણી બાદ ચુકાદો આપતાં કહ્યું હતું કે ‘અરજદારનો તેના શરીર અને પ્રજનન વિશેનો નિર્ણય લેવાનો હક ધ્યાનમાં રાખીને તેમ જ મેડિકલ બોર્ડના રિપોર્ટને ધ્યાનમાં રાખીને અદાલત અરજદારની ઇચ્છા હોય તો તેને મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MPT) કરવાની મંજૂરી આપે છે.’
સામાન્ય રીતે ૨૦ સપ્તાહ બાદ MPT માટે અદાલતની મંજૂરી લેવી ફરજિયાત હોય છે. એથી આ કેસમાં હાઈ કોર્ટે ૬ જૂને મેડિકલ બોર્ડની રચના કરીને અરજદારની તપાસ કરાવી હતી જેમાં સગીરાના શરીરમાં લોહીની કમી અને કુપોષણ હોવાનું જણાયું હતું. એથી મેડિકલ બોર્ડે જણાવ્યું હતું કે સગીરાનું હીમોગ્લોબિન લેવલ વધે ત્યાર બાદ જ તેની પ્રેગ્નન્સી ટર્મિનેટ કરી શકાય. અદાલતે નોંધ્યું હતું કે અત્યારે MTP થયા બાદ ભવિષ્યમાં આ સગીરાની ગર્ભાવસ્થામાં કોઈ મુશ્કેલી આવે એવી સંભાવના નથી.
ADVERTISEMENT
સગીર પર બળાત્કાર થયો હોવાની ફરિયાદ પોલીસે નોંધી હોવાથી જો આ કેસમાં બાળકનો જન્મ થાય તો એના DNAના નમૂના સાચવી રાખવાનો અને બાળકની જવાબદારી રાજ્ય સરકારે લઈને તેના પુનર્વસન માટે યોગ્ય પગલાં લેવાનો આદેશ પણ અદાલતે આપ્યો હતો.


