તમામ વૉર્ડ-ઑફિસના અધિકારીઓને ટૂ-વ્હીલર પર જઈને રોડ પર ક્યાં ખાડા છે એની નોંધ કરીને અત્યારથી જ ભરવાનું કહેવામાં આવ્યું
પ્રતીકાત્મક તસવીર
મૉન્સૂન આવે એટલે રસ્તા પર ખાડા પડવાની સમસ્યા માથું ઊંચકે છે એટલું જ નહીં, એના કારણે અકસ્માત થતાં લોકોએ જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. એથી આ વર્ષે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ અત્યારથી જ અધિકારીઓને કામ પર લાગી જવાનો આદેશ આપી દીધો છે.
BMCના ઍડિશનલ કમિશનર (પ્રોજેક્ટ્સ) અભિજિત બાંગરે એન્જિનિયરોને કહ્યું કે ‘રસ્તા પરના ખાડા પૂરવા માટે જાતે રસ્તા પર ઊતરો. ફોર-વ્હીલરમાં નહીં ટૂ-વ્હીલર પર જઈ તપાસ કરો. ટૂ-વ્હીલર પરથી રસ્તા પરના ખાડા બરાબર દેખાય છે. ખાડા દેખાય એટલે એ નોંધી લો અને એ ભરવાનો આદેશ આપી દો.’
ADVERTISEMENT
BMC દ્વારા સામાન્ય રીતે મૉન્સૂન પહેલાં મે મહિનામાં ખાડા પૂરવાની કામગીરી ચાલુ થતી હોય છે, જે મૉન્સૂનમાં પણ ચાલુ રાખવામાં આવતી હોય છે. રસ્તા પરના ખાડા પૂરવા સંદર્ભે હાલમાં જ એક બેઠક પાર પડી હતી, જેમાં ઍડિશનલ કમિશનર અભિજિત બાંગરે કહ્યું હતું કે ‘સવારે જ્યારે ટ્રૅફિક ઓછો હોય ત્યારે રસ્તાની ચકાસણી કરો કે ક્યાં ખાડા પડ્યા છે. એ ટાઇમે ખાડા બરાબર દેખાશે અને એની નોંધ કરી લો. બની શકે તો મોડી રાતે પણ એ કરી શકાય.’

