BMCની ચૂંટણીમાં ૭૬ વર્ષની ઉંમરે ઝુકાવનાર ક્રિષ્ના મહાડગુટ સૌથી વૃદ્ધ ઉમેદવાર છે.
પ્રતીકાત્મક તસવીર
BMCની ચૂંટણીમાં ૭૬ વર્ષની ઉંમરે ઝુકાવનાર ક્રિષ્ના મહાડગુટ સૌથી વૃદ્ધ ઉમેદવાર છે. તેમનું કહેવું છે કે ‘ચૂંટણીમાં ઝુકાવવાને વળી ઉંમર સાથે શું લાગેવળગે? મને મોડી રાત્રે ફોન આવે કે મારે બીજા દિવસે સવારે રસ્તાના કોઈ કામ માટે જેમ કે ગટર સાફ ન થઈ હોય તો ત્યાં પહોંચવાનું છે તો હું ઊંઘી શકતો નથી.’
આ વર્ષે મેદાનમાં રહેલા ૧૭૨૧ ઉમેદવારોમાંથી સૌથી મોટું જૂથ ૪૦ અને ૫૦ વર્ષની ઉંમરના ઉમેદવારોનું છે. ૫૩૮ ઉમેદવારો ૪૦ વર્ષની ઉંમરના છે અને ૪૩૨ ઉમેદવારો ૫૦ વર્ષની ઉંમરના છે. અન્ય ૪૦૫ ઉમેદવારો ૩૦ વર્ષની ઉંમરના છે અને ૧૮૯ ઉમેદવારો ૨૧-૩૦ વર્ષની ઉંમરના છે. એનાથી વિપરીત ફક્ત ૧૩૩ ઉમેદવારો ૬૦ વર્ષની ઉંમરના છે અને ફક્ત ૨૪ ઉમેદવારો ૭૦ વર્ષ કે એથી વધુ ઉંમરના છે.
ADVERTISEMENT
બોરીવલીની કેબલ કંપનીના નિવૃત્ત કર્મચારી ક્રિષ્ના મહાડગુટ SSC પાસ છે. તેઓ પછી રિયલ એસ્ટેટ એજન્ટ બન્યા હતા. કાલિનાથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે. કૉર્પોરેટરની ચૂંટણીમાં આ તેમનો બીજો પ્રયાસ છે. પહેલી વાર તેઓ કહે છે કે તેમને એવા વૉર્ડમાંથી ચૂંટણી લડવાનું કહેવામાં આવ્યું હતું જ્યાં તેમણે ક્યારેય કામ કર્યું નહોતું. તેથી તેઓ લોકોને કહે છે કે આ પહેલી વાર છે જ્યારે હું ગંભીરતાથી ચૂંટણી લડી રહ્યો છું.
ઉંમરના બીજા છેડે ૨૧ વર્ષનો સુમિત સાહિલ છે, જે સૌથી નાની ઉંમરના ૪ ઉમેદવારોમાંનો એક છે. તેના માટે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય મહત્ત્વાકાંક્ષાથી નહીં પરંતુ હતાશાથી જન્મેલો હતો. સાકીનાકાના ઝરીમરીથી ઝુકાવનાર સુમિતે કહ્યું હતું કે ‘સ્થાનિક કૉર્પોરેટરની ઑફિસ મારા ઘરની બહાર જ છે. દરરોજ હું લોકોની લાંબી લાઇન જોઉં છું જેઓ તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે આવે છે. આ કોઈ મોટી સમસ્યાઓ નથી હોતી. કોઈનો કચરો ઉપાડવામાં આવતો નથી કે કોઈના ઘરની બહાર ગટર ભરાઈ ગઈ છે. જોકે કોઈને ખરેખર તેમના પ્રશ્નો ઉકેલવામાં રસ નથી. વણઉકેલાયેલી ફરિયાદોના આ દૈનિક સરઘસે મને રેસમાં ધકેલી દીધો. તેથી જ મેં નોકરી ન કરવાનું અને ચૂંટણીના મેદાનમાં ઊતરવાનું નક્કી કર્યું છે.’


