પાંચ વર્ષ વૉટરબિલમાં વધારો નહીં થાય, BESTની બસમાં મહિલાઓને ૫૦ ટકા છૂટ, પાઘડીવાળાં ૨૦,૦૦૦ બિલ્ડિંગ્સને OC, રોહિંગ્યા અને બંગલાદેશીઓને ઓળખવા માટે AI ટૂલ અને બીજું ઘણુંબધું...
ગઈ કાલે ચૂંટણીઢંઢેરા લૉન્ચ કરતા દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને રામદાસ આઠવલે.
વોટિંગના ચાર દિવસ પહેલાં દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે અને રામદાસ આઠવલે સાથે લૉન્ચ કર્યો ગઠબંધનનો મૅનિફેસ્ટો
ભારતીય જનતા પાર્ટી (BJP), એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા–આઠવલે (RPI-A)ની મહાયુતિએ ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઇલેક્શન માટે પોતાનો મૅનિફેસ્ટો રજૂ કર્યો હતો. આ ચૂંંટણીઢંઢેરામાં ટેક્નૉલૉજી-બેઝ્ડ ગવર્નન્સની મદદથી મુંબઈને ‘ગ્લોબલ પાવરહાઉસ’ બનાવવાનું વચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત BESTની બસોમાં મહિલાઓ માટે ભાડામાં ૫૦ ટકા છૂટનું, બંગલાદેશી ઘૂસણખોરોથી મુંબઈને મુક્ત કરવાનું, લોકલ ઍડ્મિનિસ્ટ્રેશન માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અને જૅપનીઝ ટેક્નૉલૉજી વાપરીને BMCની સર્વિસ સીધી લોકોના મોબાઇલમાં પહોંચાડવાનું અને BMC ઍડ્મિનિસ્ટ્રેશનને ભ્રષ્ટાચારથી મુક્ત બનાવવાનું વચન આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં ગઈ કાલે આ મૅનિફેસ્ટોનું લૉન્ચિંગ કર્યું હતું. તેમણે આ કાર્યક્રમમાં કહ્યું હતું કે અમારું લક્ષ્ય કરપ્શન-ફ્રી મ્યુનિસિપલ કૉર્પોરેશન છે. આ મૅનિફેસ્ટોના લૉન્ચિંગ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન સાથે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે, (RPI-A)ના પ્રમુખ રામદાસ આઠવલે તેમ જ BJPના અન્ય અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
તમારું હિન્દુ-મુસ્લિમ મુદ્દા વગરનું ભાષણ બતાવો તો હું એક લાખ રૂપિયા આપીશ એવી ઉદ્ધવ ઠાકરેની ચૅલેન્જનો જવાબ આપતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું...
મારાં ૯૫ ટકા ભાષણો વિકાસના મુદ્દા પર છે, તપાસી લો અને તાત્કાલિક લાખ રૂપિયા મોકલો; હું એ લાડકી બહિણ સ્કીમમાં ટ્રાન્સફર કરી દઈશ
ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના એક નિવેદનનો જવાબ રમૂજી પ્રતિભાવથી આપ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં દેવેન્દ્ર ફડણવીસને ઓપન ચૅલેન્જ આપતાં કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસ એવું કહે છે કે વિકાસના મુદ્દા પર ઉદ્ધવ ઠાકરેનું એક ભાષણ બતાવો અને એક હજાર રૂપિયા લઈ જાઓ, પણ ચોરીના પૈસા અમને જોઈતા નથી. હું તમને ચૅલેન્જ આપું છું. ભારતીય જનતા પાર્ટી (BJP) હિન્દુ-મુસ્લિમના મુદ્દાઓને ભાષણોમાં ઉઠાવ્યા વિના BMCની પણ ચૂંટણી લડી શકતી નથી. આ મુદ્દા વગરનું તમારું એક ભાષણ મને બતાવો તો હું તમને એક લાખ રૂપિયા આપીશ.’ દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘જો તમે મારાં ભાષણો તપાસશો તો અમે આરોપો અને ટીકાઓનો જવાબ આપીએ છીએ. અમે હિન્દુત્વ વિશે વાત કરીએ છીએ કારણ કે અમને હિન્દુત્વનો ગર્વ છે, પણ મારાં ૯૫ ટકા ભાષણો ફક્ત વિકાસના મુદ્દા વિશે હોય છે. એટલે જ હું ઉદ્ધવ ઠાકરેને કહું છું કે તેઓ તાત્કાલિક મને એક લાખ રૂપિયા મોકલી આપે. આ પૈસા હું રાજ્ય સરકારની મુખ્યમંત્રી લાડકી બહિણ યોજનાના લાભાર્થીઓને ટ્રાન્સફર કરી દઈશ.’
આ વચન આપ્યાં મુંબઈકરોને
મ્યુનિસિપાલિટી ઑન મોબાઇલ ઇનિશ્યેટિવ દ્વારા નાગરિકોને BMCની સર્વિસ સીધી મોબાઇલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
રિયલ એસ્ટેટ સેક્ટરમાં પારદર્શિતા માટે AI-આધારિત પ્લૅટફૉર્મ તૈયાર કરવામાં આવશે.
તમામ મ્યુનિસિપલ સ્કૂલોમાં AI-લૅબ્સ શરૂ કરવામાં આવશે.
BESTની બસોની સંખ્યા ૫૦૦૦થી વધારીને ૧૦,૦૦૦ કરવામાં આવશે. ૨૦૨૯ સુધી BESTની તમામ બસો ઇલેક્ટ્રિક હોય એવા ટાર્ગેટ સાથે કામ કરવામાં આવશે.
મહિલા પ્રવાસીઓ માટે ભાડામાં ૫૦ ટકાની છૂટ આપવામાં આવશે.
પાંચ વર્ષ માટે વૉટરબિલમાં વધારો કરવામાં નહીં આવે.
મુંબઈને બંગલાદેશી ઘૂસણખોરોથી મુક્ત બનાવવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)ની મદદથી આઇડેન્ટિફિકેશન માટે AI ટૂલ વિકસાવવામાં આવશે.
પ્રકૃતિ-સંરક્ષણ માટે ૧૭,૦૦૦ કરોડ રૂપિયાનો સ્પેશ્યલ ક્લાઇમેટ ઍક્શન પ્લાન રજૂ કરવામાં આવશે.
મુંબઈને પાંચ વર્ષમાં ફ્લડ-ફ્રી બનાવી દેવામાં આવશે. એ માટે જૅપનીઝ ટેક્નૉલૉજી અપનાવીને સાથે IIT અને VJTI જેવી સંસ્થાઓનો સહયોગ લઈને યોગ્ય પગલાં ભરવામાં આવશે.
સરકારી હૉસ્પિટલોને AIIMSના લેવલ સુધી અપગ્રેડ કરવામાં આવશે.
દરેક મુંબઈગરાની હેલ્થ-હિસ્ટરીને ડિજિટાઇઝ કરવા માટે હેલ્થ-કાર્ડની ફૅસિલિટી શરૂ કરવામાં આવશે, જે નાગરિકોની સારવારને ઝડપી બનાવશે.
મુંબઈને પાઘડીમુક્ત બનાવવા માટે ૨૦,૦૦૦ અટકી પડેલાં બિલ્ડિંગ્સ માટે ઑક્યુપન્સી સર્ટિફિકેટ (OC) ઇશ્યુ કરવામાં આવશે જેનો લાભ લાખો રહેવાસીઓને મળશે.
લાડકી બહેનોને લઘુ ઉદ્યોગની સ્થાપના માટે પાંચ લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે.
BMCમાં એક કલ્ચરલ ડિપાર્ટમેન્ટની સ્થાપના કરવામાં આવશે. મરાઠી પુસ્તકાલયો, કલ્ચરલ સેન્ટર્સ અને મરાઠી યુવાનો માટે ‘મુંબઈ ફેલોશિપ’ સ્કીમ લૉન્ચ કરવામાં આવશે.
મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન અને ટ્રાફિક-સમસ્યા માટે શું છે મૅનિફેસ્ટોમાં?
થાણે-બોરીવલી અન્ડરગ્રાઉન્ડ ટનલનું કામ ઝડપી બનાવવામાં આવશે.
ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ (GMLR) પ્રોજેક્ટથી ઈસ્ટર્ન અને વેસ્ટર્ન સબર્બ્સને જોડતો એક મહત્ત્વનો રસ્તો મળશે.
ઈસ્ટર્ન ફ્રીવેને કોસ્ટલ રોડ સાથે જોડવા માટે અન્ડરગ્રાઉન્ડ રસ્તો બનાવવામાં આવશે.
મુંબઈની લાઇફલાઇન લોકલ ટ્રેનો અને મેટ્રો માટે કેન્દ્ર સરકાર સાથે મળીને સ્પેશ્યલ પ્લાન બનાવવામાં આવશે.
મેટ્રો અને રેલવે-સ્ટેશનોથી લાસ્ટ માઇલ કનેક્ટિવિટી વધારવા માટે સ્ટેશનની આસપાસ નવી મિડી (મિડલ સાઇઝની) બસ અને મિની (નાની સાઇઝની) બસ સર્વિસ શરૂ કરવામાં આવશે.
પ્લૅટફૉર્મની લંબાઈ વધારવા, ટ્રેન-કોચની સંખ્યા વધારવા, ટ્રેનમાં સ્વચ્છતા જાળવવા, સ્ટેશન પર એસ્કેલેટર અને બીજી ફૅસિલિટીઝ પૂરી પાડવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે.
લોકલ ટ્રેનના કોચની સંખ્યા વધારીને ૧૮ ડબ્બાની કરવાના પ્રયાસ કરવામાં આવશે જેની ટ્રાયલ રન ચાલી રહી છે.
લોકલ ટ્રેનોને પણ મેટ્રોની જેમ ઑટોમૅટિક બંધ થતા દરવાજા અને સંપૂર્ણ ઍર-કન્ડિશનર બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. જોકે એને માટે મુંબઈકરોએ વધારાનો કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે એવું પણ જણાવવામાં આવ્યું છે.


