મોટા ભાગના કર્મચારી વરસાદસંબંધિત કામમાં રોકાયેલા રહેશે એથી ઇલેક્શન કમિશનના કામકાજથી વધારાનો બોજ આવી પડશે
પ્રતીકાત્મક તસવીર
સપ્ટેમ્બર-ઑક્ટોબર મહિનામાં યોજાનારી આગામી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી રાજકીય પક્ષો માટે જ નહીં, BMC માટે પડકારજનક રહેવાની શક્યતા છે. ચોમાસું આવી પહોંચ્યું છે એમાં આગામી ચૂંટણી માટે BMCએ કર્મચારીઓ ફાળવવા પડશે એ મુશ્કેલ બની રહેશે.
BMCના અધિકારીના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રાજ્યના ઇલેક્શન કમિશન દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનાના અંત કે ઑક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયે ચૂંટણી યોજાશે ત્યારે BMCએ મોટી સંખ્યામાં કર્મચારીને ચૂંટણી-ડ્યુટીમાં લગાવવા પડશે. બીજી તરફ, આ સમયે ચોમાસું પણ ચાલી રહ્યું હશે એટલે મોટા ભાગના કર્મચારી વરસાદસંબંધિત કામમાં રોકાયેલા હશે. આથી કર્મચારીઓને મૅનેજ કરવાનો પડકાર ઊભો થશે. ૨૦૧૭ની BMCની ચૂંટણીમાં ૫૦૦૦ કર્મચારીઓ ચૂંટણીના કામકાજમાં તહેનાત કરવામાં આવ્યા હતા. ૨૦૨૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં BMCના ૯૦૦૦ કર્મચારી તહેનાત કરવામાં આવ્યા હતા. BMCમાં કુલ ૯૯,૦૦૦ કર્મચારી છે. ઇલેક્શન કમિશન તરફથી હજી સુધી ચૂંટણી માટે કર્મચારીઓની કોઈ માગણી કરવામાં નથી આવી. અમારી પાસેથી કર્મચારીઓ તહેનાત કરવાનું કહેવામાં આવશે તો અમે ઇમર્જન્સી વિભાગના કર્મચારીઓને ચૂંટણીના કામમાં બાકાત રાખવામાં આવે એનું ધ્યાન રાખીશું.


