સરળતાથી ફરિયાદ કરી શકાય એ માટે BMCની MyBMC Pothole Fixit મોબાઇલ ઍપમાં સુધારો કરવામાં આવશે
ખાડા
ચોમાસામાં રસ્તામાં ખાડા પડવાની સમસ્યાનો સામનો મુંબઈકરોએ કરવો પડે છે એને ધ્યાનમાં રાખીને આગામી ચોમાસામાં ખાડાની ફરિયાદ મળ્યાના ૨૪ કલાકમાં ભરી શકાય એ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ કવાયત હાથ ધરી છે. મુંબઈકરો હેલ્પલાઇન-નંબર ૧૯૧૬ ઉપરાંત MyBMC Pothole Fixit મોબાઇલ ઍપની મદદથી સરળતાથી ફરિયાદ નોંધાવી શકશે. આ સિવાય ખાડાની વિગતો @mybmc X (twitter) અકાઉન્ટમાં ટૅગ કરી શકાશે.
BMCના કમિશનર-કમ-ઍડ્મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીએ મુંબઈના નાગરિકોને આગામી ચોમાસામાં કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય એનો એ ઉપરાંત ખાડામુક્ત રસ્તાનો ઉદ્દેશ નજર સામે રાખીને કામ કરવાનો નિર્દેશ અધિકારીઓ અને કૉન્ટ્રૅક્ટરોને આપ્યો છે. ખાડાની ફરિયાદ મળ્યા બાદ એ ૨૪ કલાકમાં કૉન્ટ્રૅક્ટરો દ્વારા પૂરી દેવામાં એવી વ્યવસ્થા ઊભી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
ADVERTISEMENT
BMCએ ગઈ કાલે આપેલી માહિતી મુજબ MyBMC Pothole Fixit મોબાઇલ ઍપમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ઍપમાં ઓછામાં ઓછી ક્લિક કરવા ઉપરાંત મોબાઇલ-નંબરથી જ ફરિયાદ કરી શકાય એવી સુવિધા હશે. ખાડાની ફરિયાદનું નિવારણ થઈ ગયા બાદ ફરિયાદીને મેસેજ મોકલીને જાણ કરવામાં આવશે. ચોમાસું નજીક છે ત્યારે મુંબઈમાં અત્યારે ચાલી રહેલા રસ્તા સહિતનાં કામો ૧૦ જૂન સુધી પૂરાં કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

