અમુક લોકો વિડિયો કૉલ દ્વારા બ્લૅકમેઇલ કરી પૈસા પડાવતા હોવાથી એની પણ જાણ કરવા તેમણે કહ્યું હતું
BKC પોલીસ સ્ટેશનના ઑફિસરોએ હીરાબજારમાં જઈ વેપારીઓને ગાઇડન્સ આપ્યું હતું.
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) પોલીસ સ્ટેશનના સાઇબર ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ગઈ કાલે ભારત ડાયમન્ડ બુર્સમાં આવેલા મુંબઈ ડાયમન્ડ મર્ચન્ટ્સ અસોસિએશનમાં એક સેમિનારનું આયોજન કર્યું હતું જેમાં સાઇબર ફ્રૉડથી કઈ રીતે બચવું, છેતરાઈ જાઓ તો કઈ રીતે ફરિયાદ કરવી એ વિશે હીરાબજારના વેપારી, દલાલભાઈઓ અને નાના ટ્રેડરોને માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં ૭૦૦થી ૮૦૦ જેટલા નાના-મોટા વેપારીઓ અને દલાલો હાજર રહ્યા હતા. પોલીસે જે ગાઇડન્સ આપ્યું એ વિશે જણાવતાં મુંબઈ ડાયમન્ડ મર્ચન્ટ્સ અસોસિએશનના સેક્રેટરી રાજન પરીખે મિડ-ડેને કહ્યું હતું કે ‘પોલીસ-અધિકારીઓએ કહ્યું હતું કે જો તમે સાઇબર ફ્રૉડનો શિકાર બનો તો ગભરાઓ નહીં પણ અમને એની તરત જાણ કરો, અમે તમે ગુમાવેલી રકમ ગઠિયા પાસે પગ કરી જાય એ પહેલાં જ બૅન્કમાં રોકવાની કોશિશ કરીશું. પણ એ માટે છેતરપિંડી થાય કે તરત જ તેમને જાણ કરવાની રહેશે. આ સિવાય તેમણે કહ્યું હતું કે તમારી પર્સનલ ડીટેલ્સ, OTP શૅર ન કરો. અમુક લોકો વિડિયો કૉલ દ્વારા બ્લૅકમેઇલ કરી પૈસા પડાવતા હોવાથી એની પણ જાણ કરવા તેમણે કહ્યું હતું. આ સિવાય હીરાની છેતરપિંડીની ફરિયાદ કરવાની પણ તેમણે સલાહ આપી હતી.’

