અયોધ્યામાં આવતા વર્ષે ભવ્ય રામમંદિર બની રહ્યું છે એનું તેમને પેટમાં દુઃખતું હોવાનું બીજેપીએ કહ્યું
ઉદ્ધવ ઠાકરે
પાંચ રાજ્યોની ચૂંટણીમાં બીજેપીએ ત્રણ રાજ્યમાં પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેલંગણમાં કૉન્ગ્રેસ જીતી એ લોકશાહીનો વિજય હતો અને બીજેપી જ્યાં સફળ થઈ છે ત્યાં ઈવીએમને લીધે એની તરફેણમાં રિઝલ્ટ આવ્યાં છે. આવી ટીકાનો જવાબ આપતાં બીજેપીએ કહ્યું હતું કે ‘હવે ઉદ્ધવ ઠાકરે કેટલી રડારડ કરશે? હિન્દુત્વનો તેમનામાં હવે અંશ પણ નથી રહ્યો એટલે તેમના પેટમાં અયોધ્યામાં રામમંદિર બની રહ્યું છે એનું દુઃખી રહ્યું છે.’
ADVERTISEMENT
મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બીજેપીએ ભારે બહુમતી મેળવવા બાબતે ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે ઈવીએમની મહેરબાનીથી આ સફળતા મળી હોવાનું કહીને બીજેપીમાં હિંમત હોય તો આગામી ચૂંટણીઓ બેલટ પેપરથી લડવાનો પડકાર ફેંક્યો હતો. બીજેપીએ ગઈ કાલે ટ્વીટના માધ્યમથી ઉદ્ધવ ઠાકરેને જવાબ આપ્યો હતો કે ‘ઉદ્ધવ ઠાકરે, તમારો અને હિન્દુત્વનો હવે કોઈ સંબંધ રહ્યો છે? જે દિવસે સત્તા માટે તમે કૉન્ગ્રેસ સાથે જઈને બેસી ગયા હતા એ જ દિવસે તમે હિન્દુત્વનો વિચાર ત્યજી દીધો હતો. રામમંદિર અમારા માટે રાજકારણનો નહીં પણ અસ્મિતાનો મુદ્દો છે. રામમંદિરના મુદ્દા પર મંદિર વહીં બનાએંગે લેકિન તારીખ નહીં બતાએંગે એવી ટીકા તમે કરી હતી, પણ હવે? ૨૨ જાન્યુઆરીએ મંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે એનું તમારા પેટમાં દુઃખી રહ્યું છે. ત્રણ રાજ્યમાં બીજેપીના વિજય બાબતે હવે તમે કેટલી રડારડ કરશો?’
બારામતીનાં ભાવિ સાંસદ સુનેત્રા પવાર
અજિત પવારે બારામતીમાં સુપ્રિયા સુળે સામે પોતાનો ઉમેદવાર ઊભો રાખવાની જાહેરાત કર્યા બાદ અહીંથી તેમનાં પત્ની સુનેત્રા પવારને ઉમેદવારી આપવાની ચર્ચા શરૂ થઈ છે. આથી તેમના સમર્થકોએ મુંબઈમાં મંત્રાલયની બહાર બારામતીનાં ભાવિ સાંસદ સુનેત્રા પવાર લખેલાં બૅનર ગઈ કાલે મૂક્યાં હોવાનું જોવા મળ્યું હતું. મંત્રાલયની બહાર આવેલી એનસીપીની ઑફિસ પાસે આ બૅનર લાગ્યાં છે એટલે ચર્ચા શરૂ થઈ છે કે બારામતીમાંથી લોકસભાની ચૂંટણીમાં અજિત પવાર જૂથ દ્વારા સુનેત્રા પવારને ઉમેદવારી આપવામાં આવશે. જો એમ થાય તો બીજેપી દ્વારા શરદ પવારના ગઢમાં જ તેમને પરાસ્ત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે એને બળ મળશે. એટલું જ નહીં, બીજેપીએ તો જાહેર પણ કરી દીધું છે કે બારામતીમાં જો અજિત પવાર જૂથમાંથી કોઈને ઉમેદવારી આપવામાં આવશે તો એ ઉમેદવારને વિજયી બનાવવા માટે એડીચોટીનું જોર લગવાશે.
અદાણીની ઑફિસ સામે ઉદ્ધવ ઠાકરે મોરચો કાઢશે
રાજ્ય સરકાર અદાણી કંપનીને ઘણી સુવિધાઓ આપી રહી છે અને હવે ધારાવીના રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ આ કંપનીને આપ્યો છે. ટીડીઆરના રેટ ખૂબ ઊંચા રાખવામાં આવ્યા છે એટલે લોકોને અહીં ઘર ખરીદવા માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે. આથી મુંબઈગરાઓની થનારી લૂંટને રોકવા માટે ૧૬ ડિસેમ્બરે અદાણીની ઑફિસ સુધી મોરચો કાઢવાની જાહેરાત ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેએ કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘એક બાજુ નિયોજન વગરના વિકાસના કામને લીધે મુંબઈમાં પ્રદૂષણ વધ્યું છે તો બીજી તરફ પ્રદૂષણ ઘટાડવા માટે સરકાર કૉન્ટ્રૅક્ટરોને કામ સોંપી રહી છે. આમ બંને રીતે સરકાર કૉન્ટ્રૅક્ટરો માટે કામ કરી રહી હોવાનું જણાય છે. ધારાવીમાં પણ અદાણી કંપનીને રીડેવલપમેન્ટનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો છે એમાં સરકારે કંપનીની ઘણી ફેવર કરી છે. આ પ્રોજેક્ટ મને નથી લાગતું કે પૂરો થશે.’