પાંચ લાખ પાકિસ્તાની મહિલાઓ લગ્ન બાદ ભારતમાં રહે છે, તેમને ભારતની નાગરિકતા મળી નથી, આ નવા પ્રકારનો આતંકવાદ છે
નિશિકાન્ત દુબે
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે ભારતમાં તમામ પાકિસ્તાની નાગરિકોના વીઝા રદ કર્યા એ પછી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઝારખંડના ગોડ્ડા સંસદીય વિસ્તારના સંસદસભ્ય નિશિકાન્ત દુબેએ આરોપ લગાવ્યો છે કે લગ્ન બાદ પાકિસ્તાનની પાંચ લાખ મહિલાઓ ભારતમાં રહે છે અને ભારતની મહિલાઓ પાકિસ્તાનમાં પરણે છે, આ પાકિસ્તાનના આતંકવાદનો નવો ચહેરો છે.
આ સંદર્ભમાં નિશિકાન્ત દુબેએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરની પોસ્ટમાં આ વિગતો રજૂ કરી હતી. તેમણે લખ્યું હતું કે ‘પાકિસ્તાન સંબંધિત આતંકવાદનો એક નવો ચહેરો સામે આવ્યો છે. લગભગ પાંચ લાખથી વધારે પાકિસ્તાની છોકરીઓ ભારતમાં લગ્ન કરીને રહે છે. આજ સુધી તેમને ભારતની નાગરિકતા મળી નથી. અંદર ઘૂસી આવેલા આ દુશ્મનો સામે કેવી રીતે લડવું?’
નિશિકાન્ત દુબેએ એક નિવેદનમાં કહ્યું હતું કે ‘આ દેશમાં તમામ દેશભક્ત છે, પણ સૌથી મોટો સવાલ ઊઠીને ત્યારે આવ્યો જ્યારે પાકિસ્તાનના વીઝા કૅન્સલ કરવામાં આવ્યા. પાકિસ્તાનની છોકરીઓને અહીં પરણાવવામાં આવી છે અને પાકિસ્તાનના છોકરાઓ પણ અહીં પરણ્યા છે. આ લગ્નો કયા ઉદ્દેશ સાથે કરવામાં આવ્યાં છે એની તપાસ કરવામાં આવવી જોઈએ. આ દેશમાં બેસેલા દુશ્મનો છે, પહેલાં આ મુદ્દે નિકાલ લાવવો આવશ્યક છે. જે લોકોએ આતંકવાદીઓને સાથ આપવાના ઇરાદાથી અહીં લગ્ન કર્યાં છે તેમના પર પણ કાર્યવાહી કરવાની આવશ્યકતા છે.’


