BJPના મહારાષ્ટ્રના પ્રેસિડન્ટ રવીન્દ્ર ચવાણે લાતુરમાં કહ્યું કે વિલાસરાવ દેશમુખનું નામ આ શહેરમાંથી ૧૦૦ ટકા ભૂંસાઈ જશે, એના જવાબમાં રિતેશ દેશમુખે કહ્યું...
લાતુરમાં પ્રચાર કરી રહેલા રવીન્દ્ર ચવાણે જનમેદનીને સંબોધતી વખતે વિલાસરાવની ટીકા કરતાં વિવાદ સર્જાયો હતો, રવીન્દ્ર ચવાણે કરેલી ટીકા બાદ રિતેશ દેશમુખે સોશ્યલ મીડિયા પર વિડિયો અપલોડ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
રાજ્યની ૨૯ મહાનગરપાલિકાઓની ચૂંટણીનો પ્રચાર દરેક પાર્ટી દ્વારા જોરશોરથી થઈ રહ્યો છે ત્યારે સોમવારે લાતુરમાં ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રના અધ્યક્ષ રવીન્દ્ર ચવાણે દિવંગત મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખ બાબતે કરેલા સ્ટેટમેન્ટથી લાતુરવાસીઓ, કૉન્ગ્રેસ અને વિલાસરાવ દેશમુખના પરિવારમાં જોરદાર નારાજગી ફેલાઈ છે અને એ બાબતે તીવ્ર પ્રતિક્રિયાઓ આવતાં રવીન્દ્ર ચવાણે ચોખવટ કરીને ખુલાસો આપવો પડ્યો છે.
લાતુરમાં પ્રચાર સંદર્ભે યોજાયેલી એક સભામાં સોમવારે રવીન્દ્ર ચવાણે જનમેદનીને સંબોધતાં કહ્યું હતું કે ખરું જોતાં તમારા બધાનો ઉત્સાહ જોયા પછી ધ્યાનમાં આવે છે કે ૧૦૦ ટકા વિલાસરાવની યાદો આ શહેર (લાતુર)માંથી ભૂંસાઈ જશે, એમાં કોઈ શંકા નથી.
ADVERTISEMENT
રવીન્દ્ર ચવાણના એ વક્તવ્યના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. વિલાસરાવ દેશમુખના પુત્ર અને ઍક્ટર રિતેશ દેશમુખે તેની પ્રતિક્રિયા આપતો એક વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. એમાં તેણે કહ્યું હતું કે ‘બન્ને હાથ જોડીને કહું છું કે લોકો માટે જીવન જીવી ગયેલા માણસોનાં નામ મન પણ કોતરાઈ જતાં હોય છે. લખેલું ભૂંસી શકાય છે, કોતરાયેલું નહીx. જય મહારાષ્ટ્ર.’
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ કહ્યું હતું કે ‘વિલાસરાવ દેશમુખની યાદો કોઈ ભૂંસી નહીં શકે. વિલાસરાવ દેશમુખ બદલ બધાને માન હતું. રવીન્દ્ર ચવાણે તેમના સ્ટેટમેન્ટ બદલ સ્પષ્ટતા પણ કરી છે અને દિલગીરી પણ વ્યક્ત કરી છે. રવીન્દ્ર ચવાણે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ રેકૉર્ડ બાબતે બોલી રહ્યા હતા. બાકી વિલાસરાવ દેશમુખની સ્મૃતિ કોઈ ભૂંસી નહીં શકે. તેમના માટે અમને બધાને માન છે.’


