ફાયર-બ્રિગેડના જવાનોએ આગમાંથી બળી ગયેલો એક મૃતદેહ બહાર કાઢ્યો હતો, પણ એ મૃતદેહ કોનો હતો એ જાણી શકાયું નથી.આગ એટલી બધી ભભૂકી ગઈ હતી
ભિવંડીમાં લાગેલી ભીષણ આગ ૧૮ કલાકે ઓલવાઈ
ભિવંડીના દાપોડી ગામના પ્રેરણા કૉમ્પ્લેક્સમાં આવેલા કેમિકલના ગોડાઉનમાં શનિવારે સાંજે ૪.૫૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં સળગી ઊઠે એવાં કેમિકલનો સ્ટૉક કર્યો હોવાથી આગે બહુ ઝડપથી વિકરાળ રૂપ પકડી લીધું હતું અને એ આજુબાજુનાં ગોડાઉનોમાં ફેલાઈ હતી. ભિવંડી–નિઝામપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં ફાયર-એન્જિનો ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. જોકે પાણીની કમીને કારણે આગ ઓલવવામાં બાધા આવી રહી હતી અને આગ વધતી જતી હતી. એક પછી એક ગોડાઉનમાં આગ લાગતી ગઈ હતી અને આઠ ગોડાઉન બળીને ખાખ થઈ ગયાં હતાં.
ફાયર-બ્રિગેડના જવાનોએ આગમાંથી બળી ગયેલો એક મૃતદેહ બહાર કાઢ્યો હતો, પણ એ મૃતદેહ કોનો હતો એ જાણી શકાયું નથી.આગ એટલી બધી ભભૂકી ગઈ હતી કે એ ઓલવવા ભિવંડી-નિઝામપુરનાં ફાયર-એન્જિનો ઓછાં પડી રહ્યાં હતાં એટલે થાણે, કલ્યાણ, નવી મુંબઈ, ઉલ્હાસનગર અને અંબરનાથથી પણ ફાયર-એન્જિન મગાવવામાં આવ્યાં હતાં. એ પછી આગ ઓલવવા પૂરતું પાણી મળી રહે એ માટે પ્રાઇવેટ વૉટર-ટૅન્કર બોલાવવામાં આવ્યાં હતાં. અંદાજે આગ લાગ્યાના ૧૮ કલાક બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. રવિવારે સવારે ૧૧ વાગ્યે આગ ઓલવી નખાયા બાદ પણ કૂલિંગ ઑપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું.


