આ ગુજરાતી પરિવારના ઘરે સાફસફાઈનું કામ કરતી એક હાઉસહેલ્પે મહિલાના દાગીના ચોરી કર્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભાંડુપ-વેસ્ટમાં સ્ટેશન નજીક આવેલા ડ્રીમ્સ કૉમ્પ્લેક્સમાં રહેતી ૪૬ વર્ષની ગુજરાતી મહિલાના ઘરેથી ૧૧ તોલા સોનાના દાગીના ચોરી થયા હોવાની ફરિયાદ રવિવારે ભાંડુપ પોલીસ-સ્ટેશને નોંધાવવામાં આવી હતી. આ ગુજરાતી પરિવારના ઘરે સાફસફાઈનું કામ કરતી એક હાઉસહેલ્પે મહિલાના દાગીના ચોરી કર્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. જોકે પોલીસે હાઉસહેલ્પ મહિલાની ઝીણવટભરી તપાસ કરતાં તેણે દાગીના ન ચોર્યા હોવાનું સામે આવ્યું છે. એ જોતાં શંકાસ્પદ રીતે ચોરી થયેલા દાગીના શોધવા માટે ગુજરાતી પરિવારના ઘરે કામ કરતા બીજા નોકરોની તપાસ હાથ ધરી છે. એ ઉપરાંત પોલીસ ટેક્નિકલ એવિડન્સ ભેગા કરીને પણ વધુ તપાસ ચલાવી રહી છે.
ભાંડુપ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બાલાસાહેબ પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલાએ આશરે એક મહિના પહેલાં તેના ઘરના બેડરૂમના વૉર્ડરોબમાં પોતાના દાગીના રાખ્યા હતા. દરમ્યાન ગણેશોત્સવ હોવાથી શુક્રવારે તેણે પોતાના દાગીના પહેરવા માટે કાઢવા જતાં સોનાની ચેઇન, લૉકેટ, બુટ્ટી, વીંટી ભરેલું પાઉચ મળી આવ્યું નહોતું. ત્યાર બાદ તેણે પોતાના ઘરમાં દાગીનાની શોધ લીધી હતી. જોકે દાગીના ક્યાંય ન મળી આવતાં એ ચોરી થયા હોવાની ખાતરી થતાં ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવી હતી. તેના ઘરે સાફસફાઈનું કામ કરતી એકમાત્ર મહિલાને બેડરૂમમાં જવાનો ઍક્સેસ હોવાથી ચોરી પાછળ હાઉસહેલ્પ મહિલા હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. જોકે તેની તપાસ કરવામાં આવતાં તેણે ચોરી ન કરી હોવાની માહિતી અમને મળી છે. આ ચોરીમાં કોનો હાથ છે એ જાણવા માટે અમારી એક ટીમ સતત આ કેસ પર કામ કરી રહી છે.’


