ઇગતપુરીના રેઇન ફૉરેસ્ટ રિસૉર્ટમાં રૂમ-બુકિંગના નામે ૨૫થી વધુ લોકો સાથે થઈ છેતરપિંડી
રિસૉર્ટનું ઑનલાઇન બુકિંગ કરતાં પહેલાં સાવચેત રહેજો
મુંબઈ : બહાર ફરવા જવાની તૈયારીના ભાગરૂપે જો તમે ઑનલાઇન રિસૉર્ટ બુક કરાવો તો સંભાળજો, કેમ કે તાજેતરમાં ઇગતપુરીના એક રિસૉર્ટમાં રૂમ બુક કરાવવા જતાં વિલે પાર્લેના એક રહેવાસીએ ૩૯,૦૦૦ રૂપિયા અને વસઈના એક રહેવાસીએ ૯,૦૦૦ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે ફ્રૉડ કરનાર વ્યક્તિને જુહુ પોલીસે સોમવારે ઝડપી લીધી હતી અને તેની વધુ પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઇગતપુરીમાં આવેલા રેઇન ફૉરેસ્ટ રિસૉર્ટમાં રૂમ બુક કરાવવાના નામે હરવિન્દર સિંહ લોહિયાએ ૨૫થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી છે.
જુહુ પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારી અજિત વર્તકે આ બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવેમ્બરમાં વિલે પાર્લેના એક રહેવાસીને રિસૉર્ટમાં રૂમ બુક કરાવવા દરમ્યાન ૩૮ વર્ષના હરવિન્દર સિંહ લોહિયા ઉર્ફે હૅરીએ પોતાની ઓળખ જનરલ મૅનેજર તરીકે આપીને રૂમ-બુકિંગના નામે ૩૯,૦૦૦ રૂપિયા ગૂગલ પે દ્વારા પોતાના અકાઉન્ટમાં જમા કરાવડાવ્યા હતા અને રૂમનું બુકિંગ ન કરીને તેણે છેતરપિંડી કરી હી. જોકે ફ્રૉડ થયાની જાણ થતાં તેણે એફઆઇઆર નોંધાવ્યો હતો. આ ઉપરાંત વસઈના એક રહેવાસીને પણ આ રીતે ફસાવીને તેની પાસેથી ૯,૦૦૦ રૂપિયા પડાવી લીધા હતા. હરવિન્દર સિંહને ઝડપી લેવા માટે અમે તેના મોબાઇલ-નંબર અને સીડીઆર દ્વારા માહિતી મેળવી હતી. તેના બનાવાયેલા સ્કેચ પરથી અમે તેને પકડી પાડ્યો હતો. જોકે આરોપીએ ગુનો કબૂલી લીધો છે. તેણે ૨૫થી વધુ લોકો સાથે ફ્રૉડ કર્યો છે. અમે તેની વધુ પૂછપરછ કરી રહ્યા છીએ.’
ADVERTISEMENT
રૂમ બુક કરાવવા જતાં ૯,૦૦૦ રૂપિયા ગુમાવનાર વસઈમાં રહેતા રાકેશ ગૌરીએ મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સપ્ટેમ્બર ૨૦૨૨માં મેં મારા ૧૦ મિત્રો સાથે રેઇન ફૉરેસ્ટ રિસૉર્ટમાં જવાનું પ્લાનિંગ કર્યું હતું. એ માટે રૂમ બુક કરાવવા મેં હરવિન્દર સિંહનો સંપર્ક કર્યો હતો. તેણે મને રૂપિયા તેના ગૂગલ પેના અકાઉન્ટ પર મોકલવાનું કહેતાં પહેલાં મેં ૨,૦૦૦ રૂપિયા મોકલાવ્યા હતા. એ પછી હરવિન્દરે મને બીજા ૭,૦૦૦ રૂપિયા મોકલવાનું કહ્યું હતું અને તો જ રૂમનું બુકિંગ કન્ફર્મ થઈ જશે અને બાકીના પૈસા રિસૉર્ટમાં આવો ત્યારે આપી દેજો એમ કહ્યું એટલે મેં તેને કુલ ૯,૦૦૦ રૂપિયા મોકલી આપ્યા હતા. બુકિંગના કન્ફર્મેશન માટે મેં હરવિન્દરને ઈ-મેઇલનું કહેતાં તેણે પોતાની જી-મેઇલમાંથી સાદી મેઇલ કરી હતી. એ ઈ-મેઇલ જોઈને મને ડાઉટ ગયો હતો એટલે રિસૉર્ટ જવાના ૧૫ દિવસ પહેલાં મેં રિસૉર્ટમાં ફોન કરીને રૂમ-બુકિંગ બાબતે પૂછતાં મને જણાવાયું કે તમારા નામે અહીં કોઈ રૂમ બુક થઈ નથી. મેં હરવિન્દર સિંહ પાસેથી બુકિંગ કરાવ્યાની બધી માહિતી આપી ત્યારે મને રિસૉર્ટવાળાએ કહ્યું કે હરવિન્દર સિંહને તો અમે ૨૦૧૮માં જ કાઢી મૂક્યો છે. ત્યારે મને સમજાયું કે હરવિન્દરે અમારી સાથે છેતરપિંડી કરી છે. પહેલાં એક વખત મેં હરવિન્દર પાસેથી બુકિંગ કરાવ્યું હતું, પરંતુ બીજી વખત બુકિંગ કરાવવા જતાં મેં ૯,૦૦૦ રૂપિયા ગુમાવ્યા છે. હરવિન્દરને ફોન કરીને પૈસા પાછા માગતાં તે ગાળ આપતો હતો અને પૈસા પાછા આપવાની ચોખ્ખી ના પાડતો હતો.’
ઇગતપુરીમાં આવેલા રેઇન ફૉરેસ્ટ રિસૉર્ટના મૅનેજરે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હરવિન્દર સિંહ લોહિયા વર્ષો પહેલાં રિસૉર્ટમાં કામ કરતો હતો અને તેને તો ચાર વર્ષ પહેલાં કાઢી મૂકવામાં આવ્યો હતો. તે રિસૉર્ટના નામે બુકિંગ કરતો હતો અને તેને હવે પોલીસે પકડી પાડ્યો છે. ક્યારેય કોઈએ પર્સનલ નંબર પર પૈસા આપીને બુકિંગ કરાવવું નહીં. રિસૉર્ટના નામના અકાઉન્ટ પરથી જ બુકિંગ કરાવવું જોઈએ જેથી આવી છેતરપિંડીથી બચી શકાય.’


