ઔરંગાબાદના કચનેરની ઘટનામાં જૈન યુવકે સોનાની મૂર્તિને બદલે પિત્તળની મૂર્તિ બનાવડાવી : મૂર્તિ ચોર્યા બાદ ટુકડા કરીને વેચવાનો પ્રયાસ કરતાં પકડાયો
સોનાની મૂર્તિને બદલે પિત્તળની મૂર્તિ મૂકીને ચોરી કરનારા આરોપીઓ
ચોમાસામાં જૈન સાધુભગવંતો પ્રવાસ નથી કરતા એટલે તેઓ કોઈ એક જગ્યાએ ચાર મહિના સ્થિર વાસ કરે છે. ઔરંગાબાદના કચનેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જેમાં સાધુભગંવતના સેવક તરીકે ચાર મહિના ઉપાશ્રયમાં રોકાયા બાદ મોકો મળતાં અહીંના ૧ કરોડ રૂપિયાની કિંમતની ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ ચોરી કર્યા બાદ આબેહૂબ પિત્તળની મૂર્તિ બનાવનારા જૈન યુવકની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ મૂર્તિના ટુકડા કરીને વેચી હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે ચોવીસ કલાકમાં તેની પાસેથી ૯૪ લાખ રૂપિયાની મતા જપ્ત કરી.
ચીખલથાણા પોલીસ-સ્ટેશનમાં વેપારી વિનોદ લોહાડેએ ૨૫ ડિસેમ્બરે જૈન મંદિરમાં રાખવામાં આવેલી ભગવાન પાર્શ્વનાથની એક કરોડ રૂપિયાની કિંમતની મૂર્તિની ચોરી થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફુટેજ સહિતની માહિતીને આધારે ૨૪ કલાકની અંદર મધ્ય પ્રદેશમાં રહેતા અર્પિત નરેન્દ્ર જૈન નામના ૩૨ વર્ષના યુવક અને તેના સાથી અનિલ વિશ્વકર્માની મૂર્તિ ચોરવાના આરોપસર ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
પોલીસની તપાસમાં જણાઈ આવ્યું હતું કે ચોમાસામાં ચાર મહિના અર્પિત કચનેરમાં આવેલા જૈન ઉપાશ્રયમાં સાધુભગવંતોની સેવા કરવા માટે રહ્યો હતો. આ દરમ્યાન તેના ધ્યાનમાં આવ્યું હતું કે ભગવંતો એક સોનાની મૂર્તિનો અભિષેક દરરોજ કરે છે. અભિષેક કર્યા બાદ મૂર્તિને ગભારામાં મૂકી દે છે. આથી અર્પિતે સોનાની મૂર્તિ ચોરવાનો પ્લાન બનાવ્યો હતો.
તેણે રાજસ્થાનના એક મૂર્તિકારનો સંપર્ક કરીને તેને ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ જેવી આબેહૂબ પિત્તળની મૂર્તિ બનાવવાનો ઑર્ડર આપ્યો હતો. પિત્તળની મૂર્તિ આવી ગયા બાદ અર્પિતે મોકો મળતાં સોનાની મૂર્તિની જગ્યાએ ઉપાશ્રયમાં પિત્તળની મૂર્તિ મૂકી દીધી હતી.
સોનાની મૂર્તિ હાથમાં આવી ગયા બાદ અર્પિત તેના ગામ જતો રહ્યો હતો. અહીં તેણે તેના સાથીની મદદથી સોનાની મૂર્તિના ટુકડા કર્યા હતા. એમાંથી ૩૫૦ ગ્રામ સોનાનો ટુકડો વેચ્યો હતો. વેપારીએ આપેલા રૂપિયામાંથી તેણે સોનાના સિક્કા ખરીદવાની સાથે તેના પર થઈ ગયેલું કરજ ચૂકવ્યું હતું.
ચીખલથાણા પોલીસે ફરિયાદ મળ્યા બાદ તપાસ કરીને આરોપી અર્પિત જૈન અને તેના સાથીની ધરપકડ કરીને તેમની પાસેથી ૯૪ લાખ રૂપિયાની કિંમતના મૂર્તિના સોનાના ટુકડા જપ્ત કર્યા હતા.


