કૃષ્ણકાંતને મંચરમાં આવેલી ગોવર્ધન ડેરીમાંથી ૨૩,૦૦૦ લીટર દૂધ નવી મુંબઈમાં ડિલિવરી કરવા માટે આપવામાં આવ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
પુણેના ખેડ મંચરમાંથી નવી મુંબઈના વાશી વિસ્તારમાં ગોવર્ધન દૂધની ડિલિવરી દરમ્યાન ટૅન્કરમાંથી ૫૫૦૦ લીટર દૂધની ચોરી કરવા બદલ ટૅન્કરના ડ્રાઇવર કૃષ્ણકાંત જવાની અને વિજય માનેની APMC પોલીસે શનિવારે ધરપકડ કરી હતી. કૃષ્ણકાંત ટૅન્કરમાંથી દૂધની ચોરી કરતો હોવાની શંકા જવાથી કંપની દ્વારા તપાસ કરવામાં આવી હતી. શુક્રવાર રાતે કૃષ્ણકાંતને મંચરમાં આવેલી ગોવર્ધન ડેરીમાંથી ૨૩,૦૦૦ લીટર દૂધ નવી મુંબઈમાં ડિલિવરી કરવા માટે આપવામાં આવ્યું હતું. એમાંથી તેણે રસ્તામાં જ ૫૫૦૦ લીટર દૂધ વેચી દીધું હોવાનું જાણવા મળતાં તેની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
આરોપી કૃષ્ણકાંત ટૅન્કરનું સીલ તોડીને હાઇવે પર જ દૂધ વેચી દેતો હતો એમ જણાવતાં APMC પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંચરમાં આવેલી ગોવર્ધન ડેરીમાંથી વાશીના સેક્ટર ૧૮માં આવેલા સેન્ટરમાં દૂધ ટૅન્કરમાં ડિલિવરી કરવામાં આવે છે. ટૅન્કરનો ડ્રાઇવર કૃષ્ણકાંત મંચરમાંથી દૂધ લઈને રસ્તામાં વેચી દેતો હોવાની શંકા જવાથી કંપની દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેને કોણ મદદ કરી રહ્યું છે એ પકડવા માટે કંપની દ્વારા ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શુક્રવારે હંમેશની જેમ કૃષ્ણકાંતને ૨૩,૦૦૦ લીટર દૂધ મંચરથી વાશી ડિલિવરી માટે આપવામાં આવ્યું હતું. એમાંથી તેણે ૫૫૦૦ લીટર દૂધ રસ્તામાં જ વેચી દીધું હોવાની માહિતી કંપનીને મળી હતી. જોકે કંપનીમાં તેને કોણ મદદ કરે છે એ જોવા માટે ટૅન્કરને વાશી સુધી પહોંચાડવામાં આવ્યું હતું. એ સમયે વાશીની કંપનીમાં કામ કરતા વિજય માનેએ ટૅન્કરના સીલની તપાસ કર્યા વગર સીધું એને પ્રોસેસિંગમાં મોકલી આપ્યું હતું. અંતે દૂધની આ ચોરીમાં વિજયની સામેલગીરી સામે આવતાં અમે બન્ને સામે ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરી હતી. તેઓ કોને દૂધ વેચતા હતા એની પણ તપાસ કરવામાં આવી રહી છે.’


