મનોજ બાંભણિયા અમિત કેવડિયા પાસેથી ૯૫ લાખ રૂપિયાના ૩૧૬ કૅરૅટના હીરા લઈ ગયો હતો અને એનું પેમેન્ટ કર્યું નહોતું કે પછી હીરા પણ પાછા આપ્યા નહોતા
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : બીકેસીમાં આવેલા મુંબઈના હીરાબજારના દલાલ મનોજ બાંભણિયાએ બે વર્ષ પહેલાં ૨૯ જેટલી પાર્ટીઓ પાસેથી અલગ-અલગ ક્વૉન્ટિટીમાં હીરા લીધા હતા અને ત્યાર બાદ એનું દોઢ કરોડનું પેમેન્ટ ન કરતાં પલાયન થઈ ગયો હતો. એ કેસમાં એ વખતે એક ફરિયાદ બીકેસી પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી. હવે એ જ કેસમાં કેવડિયા ઇમ્પૅક્સના અમિત કેવડિયાએ કોર્ટમાં જઈને ઑર્ડર લાવતાં બીજો એફઆઇઆર નોંધાયો છે. મનોજ બાંભણિયા અમિત કેવડિયા પાસેથી ૯૫ લાખ રૂપિયાના ૩૧૬ કૅરૅટના હીરા લઈ ગયો હતો અને એનું પેમેન્ટ કર્યું નહોતું કે પછી હીરા પણ પાછા આપ્યા નહોતા.
મીરા રોડમાં રહેતો અમિત કેવિડયા લાંબા સમયથી મનોજ બાંભણિયાને જાણતો હતો. મનોજ તેની પાસેથી હીરા લઈ પાર્ટીને બતાવી એ વેચીને અમિતને પેમેન્ટ કરી દેતો અને વચ્ચેનો ગાળો પોતાના નફા તરીકે રાખી લેતો. લગભગ દસેક વર્ષથી આમ ચાલી રહ્યું હતું એટલે એ એક રેગ્યુલર બિઝનેસની પ્રોસેસ ગણાતી હતી. ઑક્ટોબર ૨૦૨૦માં મનોજ બાંભણિયાએ અમિત કેવડિયા પાસેથી ૯૫ લાખના હીરા લીધા હતા અને પછી બજારમાં આવવાનું બંધ કરી દીધું હતું. તપાસ કરતાં જાણ થઈ કે તેણે ઘણીબધી પાર્ટીઓ પાસેથી હીરા લીધા છે અને નાસી ગયો છે. એથી વેપારીઓ સાથે મળીને તેના ગુજરાતના ઘરે ગયા હતા, પણ તે ત્યાં નહોતો મળી આવ્યો. આખરે વેપારી કેતન શાહે મનોજ બાંભણિયા સામે બીકેસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હવે એ જ કેસમાં અમિત કેવડિયાએ કોર્ટમાં અરજી કરી ઑર્ડર મેળવી અલગથી બીકેસી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવ્યો છે. એના પર હવે બીકેસી પોલીસ કામ કરી રહી છે.
બીકેસી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રઘુનાથ કદમે આ બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ વખતે કેતન શાહે જે એફઆઇઆર કર્યો હતો એમાં આ ૨૯ વેપારીઓ જેમની સાથે મનોજ બાંભણિયાએ છેતરપિંડી કરી છે તે સાક્ષીદાર છે. અમે એ કેસમાં મનોજની ધરપકડ પણ કરી હતી અને ત્યાર બાદ તે જામીન પર બહાર છે. હવે એ જ કેસમાં અમિત કેવડિયાએ નવો એફઆઇઆર કર્યો છે. અમે હવે ફરી મનોજ બાંભણિયાની આ કેસમાં ધરપકડ કરીને કાર્યવાહી કરીશું.’


