રિલાયન્સ હોમ ફાઇનૅન્સ કેસમાં SEBIએ લીધી એક્શન
અનમોલ અંબાણી
શૅરબજારની નિયમન સંસ્થા સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા(SEBI)એ ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીને એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રિલાયન્સ હોમ ફાઇનૅન્સના કેસમાં સ્પષ્ટ નિર્દેશ હોવા છતાં તેમણે કૉર્પોરેટ લોનને મંજૂરી આપી હતી. SEBIએ રિલાયન્સ હોમ ફાઇનૅન્સના ચીફ રિસ્ક ઑફિસર કૃષ્ણન ગોપાલકૃષ્ણનને પણ ૧૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ બન્નેએ ૪૫ દિવસમાં આ દંડની રકમ ભરવાની રહેશે.
ઑગસ્ટમાં SEBIએ અનિલ અંબાણી અને અન્ય ૨૪ જણને પાંચ વર્ષ સુધી શૅરબજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ લગાવી દીધા બાદ આ આદેશ આવ્યો છે. સોમવારે આપવામાં આવેલા આદેશમાં SEBIએ કહ્યું હતું કે બોર્ડ ઑફ ડિરેક્ટર્સની મંજૂરી નહીં હોવા છતાં અનમોલ અંબાણીએ એક્યુરા પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ૨૦૧૯માં ૧૪ ફેબ્રુઆરીએ ૨૦ કરોડ રૂપિયાની જનરલ પર્પઝ કૉર્પોરેટ લોન (GPCL) મંજૂર કરી હતી.