હેરાનગતિ દૂર કરવા માટે સ્ટૉર્મ વૉટર ડ્રેઇન બનાવવાની છે, પણ એમાં ત્રણ વર્ષ લાગે એમ છે
૨૦૨૩માં અંધેરી-સબવે ૨૧ વખત અને ૨૦૨૪માં ૨૩ વખત મૉન્સૂનમાં બંધ કરવામાં આવ્યો હતો.
મૉન્સૂનમાં થોડો જ વરસાદ પડે ત્યાં અંધેરી-સબવેમાં પાણી ભરાઈ જાય છે એટલે ત્યાંની અવરજવર રોકી દેવી પડે છે. એને લીધે સેંકડો રાહદારીઓ અને મોટરિસ્ટોએ હેરાનગતિનો સામનો કરવો પડે છે. જોકે તેમની આ તકલીફ હજી ત્રણ વર્ષ સુધી દૂર થવાની શક્યતા નહીંવત્ છે.
અંધેરી-સબવેને લાગીને જ મોગરાનાળું વહે છે. સ્ટાર્ટિંગ-પૉઇન્ટથી મોગરાનાળું અંધેરી-સબવે સુધી અઢી કિલોમીટરનું અંતર કાપે છે. શરૂઆતથી અંધેરી-સબવે સુધીમાં આ નાળાને ૧૩ મીટરનો ડાઉનવર્ડ સ્લોપ આપવામાં આવ્યો હોવાથી સબવે પાસે પાણીનો પ્રવાહ બહુ જ ફાસ્ટ થઈ જાય છે. એવામાં વરસાદની સાથે સમુદ્રમાં ભારે ભરતી હોય છે ત્યારે આ પાણી પાછું આવે છે અને એ બાજુના આઝાદનગર, દાઉદ બાગ સુધીના વિસ્તારને જળબંબાકાર કરી દે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા રેલવે લાઇનની નીચેથી નવી સ્ટૉર્મ વૉટર ડ્રેઇન (SWD) બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ડ્રેઇન બનાવવા માટે રેલવેનો બ્લૉક લેવો પડશે અને એ વારંવાર લઈ શકાય એમ ન હોવાથી એને બનાવવામાં ત્રણ વર્ષનો સમય લાગી શકે છે એવું સુધરાઈના એક અધિકારીએ કહ્યું હતું.
ADVERTISEMENT
આ કામ કરવા ૨૦૯ કરોડ રૂપિયાનો ખર્ચ થાય એવી શક્યતા છે. ગયા વર્ષે એનાં ટેન્ડર બહાર પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પણ કોઈ કારણસર એ નિર્ણય લેવામાં નહોતો આવ્યો.
સલાહ પર સલાહ
અંધેરી-સબવેમાં પાણી ભરાવાની સમસ્યા ૧૯૭૮થી છે. સબવેને પૅરૅલલ જ સ્ટૉર્મ વૉટર ડ્રેઇન બનાવવાનો નિર્ણય ૨૦૧૮માં જ લેવાયો હતો. એ માટે સર્વે પણ કરવામાં આવ્યો હતો. બૃહન્મુંબઈ સ્ટૉર્મ વૉટર ડિસ્પોઝલ સિસ્ટમ (BRIMSTOWAD) અંતર્ગત આ કામ થવાનું હતું, એ પણ ન થઈ શક્યું. ત્યાર બાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑૅફ ટેક્નૉલૉજી (IIT) પાસે આ કામ માટે અહેવાલ તૈયાર કરાવવામાં આવ્યો હતો. એટલું ઓછું હોય એમ BMCએ પ્રાઇવેટ કન્સલ્ટન્ટ પાસેથી પણ સલાહ લેવાનો નિર્ણય લીધો હતો જેમાં બીજાં પાંચ વર્ષ નીકળી ગયાં હતાં.

