Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાજ ઠાકરેની વિનંતીને બીજેપી ગંભીરતાથી લેશે?

રાજ ઠાકરેની વિનંતીને બીજેપી ગંભીરતાથી લેશે?

17 October, 2022 11:44 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મનસેના અધ્યક્ષે અંધેરી વિધાનસભાની પેટાચૂંટણીમાંથી બીજેપીને ખસી જવાનું કહેતાં દેવેન્દ્ર ફડણવીસે બધા સાથે ચર્ચા કરીને નિર્ણય લેવાનું કહ્યું

રાજ ઠાકરે

રાજ ઠાકરે


અંધેરી વિધાનસભાની પેટાચૂંટણીમાં બીજેપી અને ઉદ્ધવ ઠાકરે જૂથ શક્તિપ્રદર્શન કરી રહ્યાં છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ નાયબ મુખ્ય પ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસને લખેલા પત્રથી બધા ચોંકી ઊઠ્યા છે. આ ચૂંટણીમાં આજે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે રાજ ઠાકરેએ બીજેપીને આ પેટાચૂંટણીમાં ઉમેદવાર ઊભો ન રાખવાની વિનંતી કરી છે. એના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ વિશે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત બધા સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે. બીજી બાજુ, શિવસેનાના દક્ષિણ મુંબઈના સંસદસભ્ય અરવિંદ સાવંતે રાજ ઠાકરેના પત્રના સંદર્ભમાં કહ્યું હતું કે બીજેપીને સમજાઈ ગયું છે કે આ પેટાચૂંટણી તેઓ હારવાના છે એટલે રાજ ઠાકરે થકી એણે પીછેહટ કરવાનો રસ્તો કાઢ્યો છે.

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પેટાચૂંટણીમાંથી ઉમેદવારી પાછી ખેંચવાની વિનંતી કરતો પત્ર લખવા બાબતે કહ્યું હતું કે ‘અંધેરી વિધાનસભાની પેટાચૂંટણીમાં મનસેનું અમને સમર્થન મળે એ માટે આજે આશિષ શેલારે રાજ ઠાકરેની મુલાકાત લીધી હતી. આ સમયે રાજ ઠાકરેએ કહ્યું હતું કે તેઓ આ પેટાચૂંટણીમાં ઉમેદવાર નહીં આપે અને કોઈને સમર્થન પણ નહીં આપે. એટલું જ નહીં, બીજેપીએ પણ આ ચૂંટણી લડવી ન જોઈએ એવો પત્ર મારા નામે લખ્યો છે. બીજેપીમાં કોઈ એક વ્યક્તિ નિર્ણય લઈ શકતી નથી. રાજ ઠાકરેના આ પત્ર વિશે વિચાર કરવો હોય તો મારે પક્ષમાં બધા સાથે ચર્ચા કરવી પડશે. અમે ઉમેદવાર જાહેર કર્યો છે અને ઉમેદવારી ફૉર્મ પણ ભર્યું છે. ભૂતકાળમાં પેટાચૂંટણીમાં અમને યોગ્ય રીતે વિનંતી કરવામાં આવી હતી ત્યારે અમે ચૂંટણી લડવાનું માંડી વાળ્યું હતું. જોકે અત્યારની સ્થિતિમાં કોઈ નિર્ણય લેવો હોય તો મારે અમારા સાથી પક્ષ બાળાસાહેબાંચી શિવસેનાના એકનાથ શિંદે સાથે ચર્ચા કરવી પડશે. ’



રાજ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસને પત્રમાં લખ્યું છે કે ‘રમેશ લટકે સારા કાર્યકર હતા. શાખાપ્રમુખથી તેમની કારકિર્દી શરૂ થયેલી એનો હું સાક્ષી છું. તેમનાં પત્ની ઋતુજા લટકે વિધાનસભ્ય બનશે તો તેમના આત્માને શાંતિ મળશે. મારી વિનંતી છે કે બીજેપી આ પેટાચૂંટણી ન લડે અને ઋતુજા લટકે વિધાનસભ્ય બને એ હું જોવા માગું છું. રાજ્યમાં ભૂતકાળમાં આવું અનેક વખત થયું છે એટલે આપણી સંસ્કૃતિને કાયમ રાખવા બીજેપીએ આ પેટાચૂંટણી ન લડીને અવસાન પામેલા રમેશ લટકેને શ્રદ્ધાંજલિ આપવાની મારી ભાવના છે.’


કૉન્ટ્રૅક્ટ કિલર પ્રમાણે મુખ્ય પ્રધાન શિંદેનો ઉપયોગ થઈ રહ્યો છે : સામના

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના મુખપત્ર ‘સામના’માં પ્રકટ થતી રોકટોક કૉલમમાં ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના જૂથનો ઉપયોગ કૉન્ટ્રૅક્ટ કિલર તરીકે થતો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. લેખમાં હજી પણ સમય છે એટલે એકનાથ શિંદેને ભૂલ સુધારી લેવાની સલાહ આપવામાં આવી હતી અને લખ્યું હતું કે એકનાથ શિંદે શિવસેનાથી દૂર રહીને પણ કામ કરી શક્યા હોત, પણ તેમણે બીજેપી સાથે હાથ મિલાવીને યોગ્ય નથી કર્યું.


ઉદ્ધવસાહેબ, મરાઠીઓને કહો શેની સહાનુભૂતિ જોઈએ છે? : એમએનએસ

એમએનએસના નેતા સંદીપ દેશપાંડેએ ઉદ્ધવ ઠાકરે પર સહાનુભૂતિ લેવા બાબતે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ઉદ્ધવ ઠાકરેને સવાલ કર્યા છે કે બાળાસાહેબના નામે મેયરનો બંગલો પચાવવાની સહાનુભૂતિ જોઈએ છે કે એ બંગલાની બાજુમાં આવેલા મહારાષ્ટ્ર ભવનની થયેલી દુર્દશા માટે સહાનુભૂતિ જોઈએ છે? ગેરકાયદે લાઉડસ્પીકર સામે અવાજ ઉઠાવનારા મહારાષ્ટ્રના સૈનિકોને તડીપાર કરીને જેલમાં નાખવા માટે સહાનુભૂતિ જોઈએ છે કે વરલીમાં મરાઠી માણસોની વસતિમાં ગુજરાતીમાં કેમ છો લખેલાં બૅનર-હોર્ડિંગ્સ લગાવવા માટે સહાનુભૂતિ જોઈએ છે? 

શરદ પવારે પણ કરી બિનવિરોધની અપીલ

રાજ ઠાકરેએ બીજેપીને ઉમેદવારી પાછી ખેંચવાની વિનંતી કરતો પત્ર લખ્યા બાદ એનસીપીના ચીફ શરદ પવારે પણ પત્રકાર પરિષદ બોલાવીને કહ્યું હતું કે ‘મારે એક નિવેદન આપવું છે. અંધેરી વિધાનસભાની પેટાચૂંટણી દોઢ વર્ષના સમયગાળા માટે લડાઈ રહી છે. શિવસેનાના વિધાનસભ્ય રમેશ લટકેનું મૃત્યુ થયા બાદ ખાલી પડેલી આ બેઠક માટે તેમનાં પત્ની ઋતુજા ચૂંટણી લડી રહ્યાં છે. તેમની સામે બીજેપીના મુરજી પટેલ છે. ગોપીનાથ મુંડેના અવસાન બાદ પેટાચૂંટણી જાહેર થઈ હતી ત્યારે એનસીપીના ચીફ તરીકે મેં નિર્ણય લીધો હતો કે ગોપીનાથ મુંડેના પરિવારમાંથી કોઈ ઉમેદવારી નોંધાવશે તો અમે ઉમેદવાર ઊભો નહીં રાખીએ. એ નિર્ણય પર અમે કાયમ રહ્યા હતા. મને લાગે છે કે રમેશ લટકેનું યોગદાન અને વિધાનસભાની આગામી ચૂંટણીને માત્ર દોઢ વર્ષ જ બાકી છે ત્યારે આ પેટાચૂંટણી બિનવિરોધ થવી જોઈએ. આમ થશે તો રાજ્યમાં સારો સંદેશ જશે.’

Whatsapp-channel Whatsapp-channel

17 October, 2022 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK