વિમાનોનું ડીલિંગ કરતી કંપનીના CEOની ધરપકડ : નેધરલૅન્ડ્સનો ગ્રાહક ફસાઈ ગયો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અંધેરી-ઈસ્ટના જે. બી. નગરમાં રહેતા અમિત અગ્રવાલની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગ (EOW)એ પાંચ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ બુધવારે ધરપકડ કરી હતી. અમિત અગ્રવાલે પ્લેન ગીરવી રાખ્યું છે એ વાત છુપાવીને એનો પાંચ કરોડ રૂપિયામાં નેધરલૅન્ડ્સની પાર્ટી સાથે સોદો કર્યો હતો. નેધરલૅન્ડ્સની પાર્ટીએ પેમેન્ટ કર્યા છતાં વિમાનની ડિલિવરી ન મળી એટલે તપાસ કરતાં આખરે હકીકત જાણવા મળી હતી. ત્યાર બાદ તેમણે સહાર પોલીસ-સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. એ પછી કેસની તપાસ EOWને સોંપવામાં આવતાં અમિત અગ્રવાલની ધરપકડ કરવામાં આવી હતી.
અમિત અગ્રવાલ સુપ્રીમ ટ્રાન્સપોર્ટ ઑર્ગેનાઇઝેશન પ્રાઇવેટ લિમિટેનો પ્રેસિડન્ટ અને ચીફ ઑપરેટિંગ ઑફિસર (CEO) છે. તેની કંપની સુપ્રીમ એવિયેશન ચલાવે છે જે નાના-નાના વિમાનની ડીલ કરે છે. અમિત અગ્રવાલે તેનું યુટિલિટી ઍરક્રાફ્ટ સેસના ૨૦૮ ખરાબ થઈ ગયું હોવાથી વેચવા કાઢ્યું હતું. તેણે એ માટે નાનાં વિમાનોની ખરીદી અને વેચાણ કરતા નેધરલૅન્ડ્સના મિકિઅલ નીફેલનો સંપર્ક કર્યો હતો. એ પછી તેમની વચ્ચે જુલાઈ ૨૦૨૨માં સોદો નક્કી થયો હતો. મિકિઅલે અમિતના ખાતામાં ૪.૫૬ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. એ પછી અમિતે બાકીના પૈસા જમા કરાવવાનું કહેતાં બીજા ૪૯ લાખ રૂપિયા પણ જમા કરાવ્યા હતા.
ADVERTISEMENT
એ પછી જ્યારે વિમાનને ડિલિવરી માટે મુંદ્રા પોર્ટ લઈ જવાતું હતું ત્યારે બૅન્કોને એ વિશે જાણ થતાં મુંદ્રા પોર્ટનો સંપર્ક કરીને જણાવવામાં આવ્યું હતું કે એ વિમાન બૅન્કમાં ગીરવી મુકાયું છે અને એની સામે ઉપાડેલા રૂપિયા પાછા આવ્યા નથી એટલે એની ડિલિવરી અટકાવો. જ્યારે એ બાબતની જાણ મિકિઅલને થઈ ત્યારે તેણે વધુ તપાસ કરતાં તેને જણાયું હતું કે અમિત અગ્રવાલે ઘણા આર્થિક ગોટાળા કર્યા છે અને તેની સામે ઘણા બધા કેસ ચાલી રહ્યા છે. સહાર પોલીસે ગુનો નોંધ્યો હતો, પણ એ રકમ ૩ કરોડ કરતાં વધુ હોવાથી કેસની તપાસ EOWને સોંપાઈ હતી.