અમૃતા ફડણવીસ ધમકી કેસઃ બુકી અનિલ જયસિંઘાણીને૨૭ માર્ચ સુધી પોલીસ-કસ્ટડી
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસને બ્લૅકમેઇલ કરવાના અને લાંચ આપવાના કથિત પ્રયાસ સંબંધિત કેસમાં મંગળવારે અહીંની અદાલતે કથિત બુકી અનિલ જયસિંઘાણીને ૨૭ માર્ચ સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. કોર્ટે જયસિંઘાણીની પુત્રી અનિષ્કા જયસિંઘાણીના પોલીસ-રિમાન્ડ પણ ૨૪ માર્ચ સુધી લંબાવ્યા છે.
અનિલ જયસિંઘાણીની એક દિવસ પહેલાં જ ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેને મંગળવારે અહીં વધારાના સેશન્સ જજ ડી. ડી. અલ્માલે સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
અમૃતા ફડણવીસની ફરિયાદ બાદ મુંબઈ પોલીસે ૧૬ માર્ચે સટ્ટાબાજ અનિલ જયસિંઘાણીની દીકરી અનિષ્કાની ધરપકડ કરી હતી. અનિષ્કાએ તેના પિતા સંબંધિત એક ક્રિમિનલ કેસમાં હસ્તક્ષેપ કરવાને લઈને અમૃતાને લાંચ ઑફર કરી હતી અને તેને ધમકાવી પણ હતી.અનિષ્કાને તેના શરૂઆતના રિમાન્ડના અંતે મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ માટે જરૂરી હોવાનું જણાવ્યું હોવાથી કોર્ટે તેની કસ્ટડી લંબાવી હતી.