લોકસભાની ચૂંટણીમાં પત્ની સહિત ત્રણ ઉમેદવારનો પરાજય થયો એને પગલે ભંગાણ પડશે એવી ચર્ચા
ગઈ કાલે અજિત પવારના ઘરે યોજાયેલી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીની મીટિંગમાં કેટલાક વિધાનસભ્યો ગેરહાજર હતા
લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર સહિત ત્રણ ઉમેદવારનો પરાજય થતાં તેમની સાથેના કેટલાક વિધાનસભ્યો તૂટવાની શક્યતા જોવાઈ રહી છે. આ વિશે શરદ પવારના પૌત્ર રોહિત પવારે દાવો કર્યો છે કે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસના ભાગલા થયા બાદ શરદ પવારનો સાથ છોડીને અજિત પવાર સાથે ગયેલા ૪૦ વિધાનસભ્યોમાંથી ૧૮-૧૯ વિધાનસભ્યો પાછા ફરી શકે છે. સુપ્રિયા સુળેનો બારામતીમાં વિજય થયા બાદ અજિત પવાર જૂથના કેટલાક વિધાનસભ્યોએ પણ શુભેચ્છા આપી હતી એના આધારે રોહિત પવારે આવો દાવો કર્યો હોવાની શક્યતા છે.જોકે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલને આ વિશે પત્રકારોએ પૂછ્યું ત્યારે તેમણે એક વાક્યમાં જવાબ આપતાં કહ્યું હતું કે ‘આ બાબતે હુંઅત્યારે કંઈ નહીં બોલું, પણ છેલ્લા બે દિવસથી લોકોનાં મન બદલાયાંછે. થોડો સમય જવા દો.’ ઉલ્લેખનીય છે કે ગઈ કાલે અજિત પવારે તેમના બંગલામાં બોલાવેલી બેઠકમાં તેમનીસાથેના ૪૦ વિધાનસભ્યોમાંથી નરહરિ ઝિરવળ, સુનીલ ટીંગરે, રાજેન્દ્ર શિંગણે અને અણ્ણા બનસોડે હાજર નહોતા રહ્યા. જો કે બેઠક બાદ તમામ વિધાનસભ્યોએ તેઓ અજિત પવાર સાથે જ છે અને કોઈ કોઈના સંપર્કમાં ન હોવાનું કહ્યું હતું.